(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના(પીએલએ)નો એક સૈનિક અચાનક માર્ગ ભટકી જતાં ભારતીય સીમામાં ઘૂસી આવ્યો હતો તેને ૮મી જાન્યુઆરીએ ભારતીય સેનાએ ચુશુલ સેક્ટરમાં દક્ષિણ પેંગોંગ લેક પાસે પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ચીની સૈનિકે જણાવ્યુ કે તે રસ્તો ભટકી ગયો હતો. ભારતીય સૈનિક આ ચીની જવાનની પૂછપરછથી સંતુષ્ટ થયા બાદ જ આ સૈનિકને ચીની અધિકારીઓને સોપવામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. રિપોર્ટ અનુસાર, ૮ જાન્યુઆરીએ લદ્દાખમાં એલએસીની ભારતીય સીમાની અંદર ચીનના એક સૈનિકને પકડ્યો હતો. ચીની સૈનિકને પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે પકડવામાં આવ્યો હતો. ચીની સૈનિકના નિવેદન પર વિશ્વાસ કરીએ તો આ સૈનિક રસ્તો ભટકીને ભારતની સીમામાં ઘુસી આવ્યો હતો. આ દરમિયાન ત્યા તૈનાત ભારતીય સૈનિકોએ તેને પકડી લીધો હતો.
મહત્વપૂર્ણ છે કે એલએસીની બન્ને તરફ ભારત અને ચીનના સૈનિક તૈનાત છે. પીએલએ સૈનિક સાથે સ્થાપિત માનદંડો અંતર્ગત વ્યવહાર કરવામાં આવ્યો છે. સેના આ વાતની તપાસ કરી રહી હતી કે આ ચીની સૈનિકે કઇ સ્થિતિમાં સરહદ પાર કરી છે. રિપોર્ટ અનુસાર જો ભારતીય સેનાની તપાસમાં ચીની સૈનિકનો દાવો સાચો સાબિત થયો હતો અને તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ તેને પરત મોકલી દેવામાંની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. મહત્વપૂર્ણ છે કે ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી ટકરાવ ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ લદ્દાખ બોર્ડર પર ગલવાન ઘાટી નજીક પેંગોગ લેક સુધી ચીની સેના અને ભારતીય સેના સામ સામે આવી ગઇ છે. ૧૫ જૂને ગલવાનમાં હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા. સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુકસાન થયુ હતું પરંતુ ચીને ક્યારેય તેનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નથી. ભારતે પણ ચીન સાથેના તમામ સબંધ તોડી નાખ્યા હતા. ભારત સરકારે ચીન પર સોશિયલ મીડિયા સ્ટ્રાઇક કરી તેની તમામ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો. બીજી તરફ ચીની કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ કરી નાખ્યા હતા. ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે અનેક વખત વાર્તા થઇ ચુકી છે. જોકે, હજુ સુધી તેનું કોઇ સમાધાન આવ્યું નથી. ચીન અવાર નવાર પોતાની અવળચંડાઇ કરતુ રહે છે અને ભારતીય સીમામાં તેના સૈનિકો ઘુસી આવે છે.