(એજન્સી) તા.૧૪
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી ભીમા કોરેગાંવ મામલે ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકર અને કવિ વરવરા રાવને મુક્ત કરાવવા હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાવની તબિયત બગડવાને લીધે સર જે.જે.હોસ્પિટલમાં તેમને સ્થળાંતરિત કરાયા હતા.
સોમવારે પોતાના પત્રમાં ચૌધરીએ લખ્યું કે આ દેશમાં ૮૧ વર્ષની એક વ્યક્તિ કોઈ ગુના વિના જ જેલમાં કેદ છે. હવે તે માનસિક રૂપે અક્ષમ થઈ ચૂકી છે. તેને કોઈ પણ મેડિકલ સારવાર મળી રહી નથી. તેનું નામ કવિ વરવરા રાવ છે.
તેમણે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું કે કૃપા કરી તેમને જેલથી મુક્ત કરી દો. આ વયે તે વિશ્વના સૌથી મજબૂત દેશોમાંથી એક માટે ખતરો ન બની શકે. તેમણે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તમે આ મામલે દખલ કરી શકો છો અને તેમનો જીવ બચાવી શકો છો. નહિંતર આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૮માં પાંચ અન્ય લોકો સાથે વરવરા રાવને નક્સલીઓ સાથે સંબંધ અને હિંસા ભડકાવવાના આરોપ હેઠળ પકડી લેવાયા હતા. વરવરા રાવને પૂણે પોલીસે ભીમા કોરેગાવ હિંસા મામલે સુધા ભારદ્વાજ, અરૂણ ફરેરા, વર્નન ગોન્ઝાલ્વિસ અનુ ગૌતમ નવલખા સાથે પકડી લેવાયા હતા.