બોડેલી, તા.પ
નસવાડી સરકારી અનાજના ગોડાઉનમાંથી ૯૧.૮૯ લાખનું અનાજ સગેવગે કરનાર નિવૃત્ત ગોડાઉન મેનેજરને છોટાઉદેપુર સેશન કોર્ટે બે દિવસના રિમાન્ડ આપતા આ કૌભાંડમાં સંડોવાયેલ બીજા ગુનેગારોના નામો ખૂલતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સરકારી અનાજના ગોડાઉન મેનેજર કનુભાઈ પી.વસાવા (રહે.રાજાજી સોસાયટી, પરિવાર ચાર રસ્તા વડોદરા) જે તા.૩૦/૬/૧૯ના રોજ નિવૃત્ત થયા હતા અને સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉંના ર૬પ૦ કટ્ટા જેની કિંમત ૪૮,૭૭,૮૪૦/- રૂપિયા છે. જ્યારે ચોખાના ૧૬ર૭ કટ્ટા જેની કિમત ૪ર,૩પ,૦૮૧ રૂપિયા અને ખાલી બારદાન નંગ ૭૦૧ જેની કિંમત ૭૬,૭૧૭/- મળી કુલ ૯૧,૮૯,૬૩૮/ના મુદ્દામાલ વેચીને સગેવગે કરી દેતા નસવાડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ નિવૃત્ત ગોડાઉન મેનેજર કનુભાઈ વસાવાની પ૦ દિવસ બાદ અટક થઈ હતી અને નસવાડી પોલીસે રિમાન્ડ માંગતા રિમાન્ડ ન મળતા આગળ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મળતા પૂછપરછમાં એક મુખ્ય સૂત્રધાર નામ ખૂલ્યું છે અને હાલમાં મુખ્ય સૂત્રધાર પોલીસના હાથેથી દૂર ભાગી ભૂગર્ભમાં છે. જ્યારે પોલીસે સરકારી અનાજ સગેવગે કરવામાં ઉપયોગમાં લેવાયો ત્રણ ટેમ્પા જપ્ત કર્યા છે.
ત્રણ ટેમ્પા જેની કિંમત ૧૧.પ૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પા માલિક મેમણ જાવીદ ઈકબાલભાઈ (રહે.નસવાડી)નું નામ બહાર આવ્યું છે. જ્યારે સરકારી અનાજ વેચાણ લેનાર નસવાડીમાં આવેલ અમીન ફ્લોર મિલના માલિક અમીન હનીફભાઈ મેમણ (રહે.નસવાડી) અનાજ વેચાણ લેતા હતા. અમીનભાઈની ફ્લોર મિલ પર પોલીસે દરોડો પાડતા ૧૬૭ કટ્ટા ઘઉં અને ૩પ ખાલી બારદાન મળી આવ્યા હતા. જેની કિંમત ૧,૬ર,૬પ૦ રૂપિયા છે અને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અમીનભાઈ મેમણની અટક કરી હતી. આજરોજ નિવૃત્ત ગોડાઉન મેનેજર કનુ વસાવાના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં ફ્લોર મિલ માલિક અમીનભાઈ અને નિવૃત્ત ગોડાઉન મેનેજર કનુભાઈ આ વધુ રિમાન્ડ માંગવા છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં બંને આરોપીઓને લઈ જવાયા હતા અને ત્રીજો ફરાર આરોપી જાવેદ મેમણની પોલીસે શોધખોળ આદરી હતી.