(એજન્સી) તા.૧૫
૯ પૂર્વ આઇપીએસ અધિકારીઓએ દિલ્હીના પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવને એક ખુલ્લો પત્ર લખીને ફેબ્રુ.૨૦૨૦ના દિલ્હી રમખાણોમાં થયેલ તપાસ દોષયુક્ત છે એવું જણાવીને તેમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આ તપાસમાં ઘણી ક્ષતિઓ રહેલી છે. આ પત્ર પર નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના પૂર્વ ડાયરેક્ટર જનરલ શફી આલમ, સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર કે સલીમ અલી, પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (જેલ) પંજાબ મોહિન્દરપાલ અવલખ, વડા પ્રધાનના કાર્યાલયમાં કાશ્મીર પરના પૂર્વ ઓએસડી એ એસ દૌલત, ઉત્તરાખંડના પૂર્વ ડાયરેક્ટર જનરલ (પ્રોસિક્યુશન) આલોક બી લાલ, એવીએશન રીસર્ચ સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર અને કેબ્િોનેટ સચિવાલયના પૂર્વ સ્પેશિયલ સેક્રેટરી અમિતાભ માથુર, સિક્કિમના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અવિનાશ મોહન્નાને, ગુજરાતના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પીજીજે નામ્પુથિરી અને પ.બંગાળના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ) એ કે સામંતાએ સહિઓ કરી છે.
આ ૯ પૂર્વ ટોચના પોલીસ અધિકારીઓ જાહેર હિત અને કલ્યાણની બાબતો હાથ પર ધરતાં વિવિધ સેવાના સેવા નિવૃત્ત અધિકારીઓના નેજા હેઠળ ચાલતાં કોન્સ્ટીટ્યૂશનલ કન્ડક્ટ ગ્રુપના ભાગરુપ છે. તેમણે પોતાના પત્રમાં તેમના સાથી સભ્ય અને જાણીતા આઇપીએસ અધિકારી જુલિયો રીબેરોએ શ્રીવાસ્તવને લખેલ પત્રનો ઉલ્લેખ કર્યો છે. આ પોલીસ અધિકારીઓએ પક્ષપાતી અને રાજકીય પ્રેરીત રમખાણોમાં તપાસ કરવાની માગણી કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા આ અપરાધોમાં તપાસ કરવા માટે અનુસરવામાં આવેલ પદ્ધતિ કહેવાતી કબૂલાત પર આધારીત છે જે ન્યાયિક તપાસ પદ્ધતિના ઉલ્લંઘન સમાન છે. તેમણે એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે બહુમતી સમુદાયમાંથી આવતાં દિલ્હી હિંસાના આ અસલી અપરાધીઓ છટકી જશે તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું છે કે અમે સખેદ નોંધ લીધી છે કે તમારા એક સ્પેશિયલ કમિશનરે હિંદુઓમાં પ્રવર્તતી તેમના સમુદાયના કેટલાક હુલ્લડખોરોની ધરપકડ પર નારાજગી પ્રવર્તતી હોવાનો દાવો કરીને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારનું બહુલતાવાદી વલણ લઘુમતી સમુદાયના હિંસા પીડિતો અને તેમના પરિવારજનો માટે ન્યાયની વિડંબના અને ઉપહાસ તરફ દોરી જશે.