રાજ્યમાં વધુ ૬ દર્દીનાં મોત સાથે કોરોનાથી કુલ મોતનો આંકડો ૩૭૩૪ થયો • ગુજરાતમાં ૧,પ૯,૪૪૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા

અમદાવાદ, તા.૩
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઈને લોકો રાહત અનુભવી રહ્યા છે. પરંતુ કોરોના હજુ ગયો નથી એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં મંગળવારે વધુ ૯પ૪ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬ દર્દીઓ કોરોના સામેની લડત હારી ગયા છે. જો કે, કોરોનાથી વધુ ૧૧૯૭ દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકાએ પહોંચ્યો છે.
વિગતવાર વાત કરીએ તો ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસ ૯૦૦થી પણ ઓછા આવી રહ્યા હતા. ત્યાં જ આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૯૫૪ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૭૫,૬૩૩એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૩૪એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૯૭ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૨,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૬૨,૧૦,૫૫૦ ટેસ્ટ કરાયા છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન ૧૫૫, અમદાવાદ કોર્પોરેશન ૧૫૪, વડોદરા કોર્પોરેશન ૬૮, સુરત ૪૩, રાજકોટ કોર્પોરેશન ૪૧, પાટણ ૪૦, વડોદરા ૪૦, મહેસાણા ૩૯, બનાસકાંઠા ૩૧, ગાંધીનગર કોર્પોરેશન ૨૮, રાજકોટ ૨૩, સાબરકાંઠા ૨૧, નર્મદા ૨૦, અમરેલી ૧૯, પંચમહાલ ૧૯, જામનગર કોર્પોરેશન ૧૭, ભરૂચ ૧૪, ગાંધીનગર ૧૪, જામનગર ૧૩, સુરેન્દ્રનગર ૧૩, અમદાવાદ ૧૨, ગીર-સોમનાથ ૧૨, જૂનાગઢ કોર્પોરેશન ૧૨, ભાવનગર કોર્પોરેશન ૧૧, જૂનાગઢ ૧૧, ખેડા ૧૦, કચ્છ ૯, મોરબી ૯, અરવલ્લી ૮, દાહોદ ૮, તાપી ૮, આણંદ ૭, મહીસાગર ૬, ભાવનગર ૫, છોટાઉદેપુર ૫, દેવભૂમિ દ્વારકા ૫, પોરબંદર ૨, નવસારી ૧, વલસાડ ૧ કેસ સામે આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૬ દર્દીનાં મોત નિપજ્યા છે જેમાં અમદાવાદ કોર્પોરેશન ૨, સુરત કોર્પોરેશન ૨, મહેસાણા ૧ અને સુરત ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૩૪એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૪૪૮ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૪૫૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૩૯૦ સ્ટેબલ છે.