અંકલેશ્વર, તા.૧૧
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો સાથે વડોદરાના રેન્જ આઇજી હરિકૃષ્ણ પટેલે બેઠક યોજી હતી. જેમાં ઉદ્યોગો અને પોલીસ વચ્ચે સમન્વય સાધી પ્રજાલક્ષી પ્રોજેકટો સાકાર કરવા હાકલ કરાઈ હતી. અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં ૧,૫૦૦ કરતા વધારે કંપનીઓ આવેલી છે. તેના સુચારૂં સંચાલન માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તેમજ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાર્યરત છે. વડોદરા રેન્જના નવનિયુકત આઇજી હરીકૃષ્ણ પટેલે બંને એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વરના એઆઇએ હોલ ખાતે આયોજિત બેઠકમાં ઉદ્યોગકારોએ પોલીસ વિભાગને લગતી તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. રેન્જ આઇજીએ સમસ્યાઓ અને પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે ખાતરી આપી હતી. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા ગુનાખોરી બેફામ ન બને તે માટે ઉદ્યોગોકારો તરફથી રજૂઆત કરાઈ હતી. બેઠક દરમિયાન ઉદ્યોગો અને પોલીસ વચ્ચે સમન્વય સાધી પ્રજાલક્ષી પ્રોજેક્ટો સાકાર કરવા હાકલ કરાઈ હતી.