Gujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત તેમજ શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં વધારો થતાં પર્યાવરણ સંસ્થાઓ ચિંતિત

અંકલેશ્વર, તા.૨૧
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની બૂમ ઉઠી રહી છે. ત્યારે ફરી એકવાર વાયુ પ્રદૂષણ જોખમી આંકની નજીક પહોંચતા ફરી એકવાર સરકારી તેમજ સ્વૈચ્છિક પર્યાવરણીય સંસ્થાઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત તેમજ શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ અંકલેશ્વરની પ્રાથમિક પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી તરફથી જાહેર કરાયેલા એક્ચ્યુલી એર ક્વોલિટીના આંકડા ટાંકીને માહિતી આપવામાં આવી છે કે, અંકલેશ્વરની હવામાન નિયત માત્રા કરતા વધુ માત્રામાં પ્રદૂષણ જોવા મળ્યું છે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ જણાવ્યા મુજબ પ્રદૂષણની લઘુત્તમ તેમજ મહત્તમ જે સીમા આંકવામાં આવી છે એ હાલ અંકલેશ્વરના વાતાવરણમાં મહત્તમની નજીક પહોંચવાની તૈયારીમાં હોય એવું આંકડા પરથી લાગી રહ્યું છે. પ્રદૂષણની માત્રાના ધારાધોરણ અનુસાર હવામાન એની લઘુત્તમ માત્રા ૧૧૫ તેમજ મહત્તમ માત્રા ૩૦૦ નિયત કરવામાં આવી છે. તા.૧૮મી મેના રોજ જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષકોની માત્રા ૨૧૫ પર પહોંચી ગઈ છે. રિપોર્ટમાં વાયુ પ્રદૂષણની માત્રા વધતા લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેનારા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગળાની બીમારી પણ સર્જાય એવી સ્પષ્ટ ભીતિ દર્શાવવામાં આવી છે.
અંકલેશ્વરના વાતાવરણમાં પ્રદૂષકો વધતાં જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ જીપીસીબી સક્રિય બનીને સફાળા જાગ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, નવા જાહેર થયેલા આંકડા ખરેખર ચિંતાજનક છે. પરંતુ પ્રદૂષણને નાથવા માટે તેમજ ડામવા માટે તાત્કાલિક અસરથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ એકમોના સંચાલકોને પણ અકસ્માતો ન થાય એ માટે પૂરતી તકેદારી લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રોજેરોજ નિયમિત રીતે એર પોલ્યુશનને માપી શકાય એ માટે એક મોનિટરિંગ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા અને ઘટાડવા માટે કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.
બીજી તરફ જીપીસીબીના અધિકારીઓ પણ વાયુ પ્રદૂષણ કરનારા એકમો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો સામે પણ હવે તવાઈ બોલાવવામાં આવશે એમ બોર્ડના વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, અંકલેશ્વરમાં ખાસ કરીને શિયાળાના દિવસોમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો રાત્રે પોતાના એકમોનો પ્રદૂષિત ગેસ હવામાં છોડી મૂકતા હોય છે જેને કારણે દુર્ગંધ યુક્ત વાતાવરણ લોકોને હેરાન કરે છે. એમાં પણ હવે વાયુ પ્રદૂષણના ચિંતાજનક આંકડાને જોતા તાત્કાલિક પગલાં ન લેવાય તો લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો સર્જાય તેની સંપૂર્ણ સંભાવના છે.
જી.પી.સી.બી. તંત્રની ઘોર નિષ્ફળતાને કારણે જન આરોગ્ય જોખમમાં : કોંગ્રેસ પ્રવક્તા
અંકલેશ્વરમાં જે રીતે વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે એ જોતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે એમ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફડવાલાએ જણાવ્યું હતું. એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે, અંકલેશ્વરમાં શહેરી વિસ્તાર સુધી અંકલેશ્વર જીઆઇડીસી તેમજ પાનોલી જીઆઇડીસીના પ્રદૂષિત એકમોના વાયુ પ્રદૂષણની અસરો પહોંચે છે. ખાસ કરીને શિયાળામાં તેમજ ચોમાસાની ભેજયુક્ત વાતાવરણમાં કેટલાક ઉદ્યોગો દ્વારા દુર્ગંધયુક્ત ગેસ છોડવાની ઘટનાઓ અવાર-નવાર બનતી જ રહે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંકલેશ્વર સ્થિત પ્રાદેશિક કચેરીના અધિકારીઓ આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવતા નથી જેને લઇને લોકોના આરોગ્ય સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થયું છે. બહુ હોબાળો થાય ત્યારે જી.પી.સી.બી. દ્વારા ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે. આ નાણાં કયાં જાય છે એ પણ તપાસનો વિષય છે. અંકલેશ્વરના વાતાવરણ અને પર્યાવરણ શુદ્ધિકરણ પાછળ આ નાણાં ખર્ચાય એ જરૂરી છે.
ઉદ્યોગો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લોકોના આરોગ્ય આ બાબતે વિચારવું જોઈએ : નગરપાલિકા પ્રમુખ
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક દક્ષાબેન શાહે પણ ઉદ્યોગો અને જી.પી.સી.બી. સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. શહેરના પ્રથમ નાગરિક હોવાને નાતે નગરજનોના આરોગ્યના હિતને જોવાની તેમની પણ ફરજ હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં પણ ઘણીવાર પ્રદૂષિત વાયુ જી.આઈ.ડી.સી. તરફથી ખેંચાઇ આવતા હોય છે. જેની અસર પણ લોકોમાં જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નિયંત્રણ બોર્ડની એક મહત્ત્વની કચેરી જ્યારે અંકલેશ્વરમાં પણ છે ત્યારે ખાસ તો તેના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરીને અટકાવે એવી પણ લોકોની અને સાથે મારી માંગ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.