Ahmedabad

અમદાવાદ એરપોર્ટે પર પ્રવાસીઓના સામાનની ચોરી કરતાં ત્રણ ઝડપાયા

અમદાવાદ, તા. ૩૧
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી આવે છે આ ઉપરાંત ડોમેસ્ટ્રીક ફલાઈટોની પણ સતત અવર જવર રહેતી હોય છે. સંખ્યાબંધ ખાનગી એરલાઈન્સ કંપનીઓના વિમાનો અમદાવાદ એરપોર્ટ પર આવે છે. છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડીગોની ફલાઈટમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી થયાની ફરિયાદો નોંધાઈ હતી જેના પરિણામે એરલાઈન્સના અધિકારીઓ સતર્ક બન્યા હતા અને વિમાન લેન્ડ થયા બાદ સામાનની હેરફેર સહિતની પ્રક્રિયાઓ પર ખાનગી રાહે વોચ રાખવામાં આવતાં ગઈકાલ મોડી સાંજે સામાનની ચોરી કરતા ત્રણ લોડરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવતા સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોવાના કારણે અહિંયા ર૪ કલાક ભારે ધમધમાટ જોવા મળતો હોય છે વિમાનોની સતત અવરજવરથી મોટાભાગની તમામ ખાનગી એરલાઈન્સ કંપનીઓની ઓફિસો આવેલી છે અને આ તમામ એરલાઈન્સના વિમાનોની પણ અવરજવર રહેતી હોય છે. આ કંપનીઓમાં ઈન્ડીગોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડીગોમાં પ્રવાસ કરતા ં પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરીઓ થતી હોવાનું બહાર આવ્યુ હતું આ અંગે પ્રવાસીઓએ એરલાઈન્સના ઓફિસરોને જાણ કરી હતી. પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરીઓ થતી હોવાનું બહાર આવતા જ એરલાઈન્સના ઓફિસરોએ અમદાવાદ એરપોર્ટ પર તેમના પ્રવાસીઓ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. વિમાનમાં પ્રવાસીઓ મુસાફરી કરે ત્યારથી લઈ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પોતાના સામાન સાથે એરપોર્ટની બહાર નીકળે ત્યાં સુધીની તમામ ગતિવિધિઓ પર બારીક નજર રાખવામાં આવી રહી હતી આ દરમિયાનમાં પ્રવાસી એરપોર્ટ પર ઉતર્યા બાદ લોડર મારફતે તેમનો સામાન બહાર લઈ જતી વખતે આ ચોરીઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે લોડરો પર નજર રાખવામાં આવી રહી હતી આ દરમિયાનમાં ગઈકાલ મોડી સાંજે ચોરી કરતા ત્રણ લોર્ડરોના નામ બહાર આવ્યા હતાં. ૧. સન્ની સોલંકી, ર. ધર્મેશ વાઘેલા અને ૩. પ્રશાંત વાળંદનો સમાવેશ થાય છે. ઈન્ડીગોના અધિકારીઓએ આ ત્રણેય લોડરોને અટકાવ્યા હતાં અને સરદારનગર પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને આ ત્રણેય લોડરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.