(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાતાં આણંદ જિલ્લાનુંં પરિણામ ૬૦.૩૪ ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતા ૬ ટકા પરિણામ ઓછું છે અને આણંદમાં ૧૧ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું.
જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરિણામ જાણવા માટે ઈન્ટરનેટના માધ્યમથી પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ અને સાયબર કાફેમાં ઘસારો કરવામાં આવ્યો હતો અને બપોરે ૧૧ વાગ્યા બાદ દરેક શાળામાંથી માર્કસીટનુ વિતરણ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળામાં પરિણામ લેવા માટે ઉમટી પડ્યા હતા અને પરિણામ જોયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમ જેવા દૃશ્યો સર્જાયા હતાં. આણંદ જિલ્લામાં ૫૨૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૩૧૮૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં એ-વન ગ્રેડમાં ૧૧ વિદ્યાર્થીઓ, એ-૨ ગ્રેડમાં ૯૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ર૯૪ વિદ્યાર્થીઓ, બી-૨ ગ્રેડમાં ૪૯૭ વિદ્યાર્થીઓ, સી-૧ ગ્રેડમાં ૮૩૩ વિદ્યાર્થીઓ, સી-૨ ગ્રેડમાં ૧૧૬૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૨૦૯૩ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી આણંદ જિલ્લાનું એકંદરે પરીણામ ૬૦.૩૪ ટકા જાહેર થયું છે.
આણંદ જિલ્લામાં એ-૧ ગ્રેડ સાથે પ્રથમ સ્થાને નોલેજ હાઈસ્કૂલનો વિદ્યાર્થી પાવન મયુરકુમાર પારેખ ૯૬.૦૪ ટકા અને ૯૯.૯૯ ટકા પર્સેન્ટાઈલ રેન્ક સાથે ઉત્તીર્ણ થયો છે, જ્યારે બીજા સ્થાને પાવનનો સગો જોડીયો ભાઈ પરમ પારેખ ૯૪.૦૪ ટકા ગુણ અને ૯૯.૯૯ ટકા પી.આર. સાથે ઉત્તીર્ણ થયો છે. આમ જિલ્લામાં પ્રથમ અને દ્રીતિય સ્થાને બે સગા જોડીયા ભાઈઓ ઉત્તિર્ણ થયા છે. પરમ આગળ અભ્યાસ કરીને કેમિકલ એન્જિનિયર બનવા માંગતો હોવાનું જણાવ્યું હતું.