આણંદ, તા.૩૦
આણંદ રેલવે સ્ટેશન પર ટીકીટ બુકીંગ અને પોતાના પરીવારને લેવા મુકવા આવતાં વાહન ચાલકો ઉતાવળમાં પોતાનું દ્વીચક્રી વાહન ટીકીટ બુકીંગ વીન્ડો નજીકનો પાર્કીંગમાં પાર્ક કરી દે છે અને ત્યારબાદ ફરજ પરના હોમગાર્ડ દ્વારા વાહનને સાંકળથી લોક કરી દેવામાં આવે છે અને લોક કર્યાં બાદ જયારે વાહનચાલક પરત આવે ત્યારે વાહનચાલકને મેમો આપવાની તેમજ વાહન ડીટેઈન કરવાનો ડર બતાવી હોમગાર્ડ દ્વારા પૈસા પડાવવામાં આવે છે. તેવો વીડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વીડીયો વાયરલ થયાના ર૪ કલાક બાદ જ રેલવે પોલીસ મથકનાં પીએસઆઈ કે.ડી. ડીન્ડોરે જણાવ્યું હતું કે આ વીડીયો જોયા બાદ પૈસા પડાવતાં હોમગાર્ડને ફરજ પરથી છુટો કરી દેવામાં આવ્યો છે. જો આ પૈસા ઉઘરાવતાં હોમગાર્ડ સામે કાર્યવાહી હાથ ધરી તેની પુછપરછ કરવામાં આવે તો તે કોના ઈસારે પૈસા ઉઘરાવતો હતો અને કોની સામે તેની ભાગ બટાઈ હતી. તેનો ખુલાસો થાય તેમ છે. હાલમા તો આ વીડીયોએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે.