(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કોરોના વાયરસના પ્રકોપથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત વિશ્વના દેશોમાં અમેરિકાએ ભારત સહિત ૧૦ દેશ કરતા વધુ કોવિડ-૧૯ મહામારીના ટેસ્ટ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, વિશ્વમાં અમેરિકાનો આ એક રેકોર્ડ છે. તેમણે એવું પણ કહ્યું કે, અમેરિકા કોરોના વાયરસ સામેના તેના યુદ્ધમાં સતત આગળ વધવાનું ચાલુ રાખશે અને અમેરિકા કોરોના વાયરસના ૪૦.૧૮ લાખ લોકોના ટેસ્ટ કર્યા છે. વ્હાઇટ હાઉસ ખાતે કોરોના વાયરસ અંગે પત્રકારોને માહિતી આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, અમે ફ્રાન્સ, યુકે, સાઉથ કોરિયા, જાપાન, સિંગાપુર, ઇન્ડિયા, ઓસ્ટ્રિયા, સ્વિડન અને કેનેડા સહિતના દેશો કરતા વધુ ટેસ્ટ કર્યા છે. અમેરિકામાં કોરોના વાયરસે ૪૦,૦૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે અને ત્યાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અત્યાર સુધીમાં ૭.૬૪ લાખને પાર થઇ ગઇ છે. જીવલેણ કોવિડ-૧૯નું એપીસેન્ટર ન્યૂયોર્કમાં જ ૨,૪૨,૦૦૦ કેસો નોંધાયા છે.