Ahmedabad

એક ભૂલ પડી ભારે : નીટની પરીક્ષાનું ફોર્મ ભરતા પટનાના બદલે પાટણ લખાઈ જતા વિદ્યાર્થીઓ પરેશાન

અમદાવાદ, તા.૪
એક ભૂલ માણસને કેટલી ભારે પડી શકે છે તેનો દાખલો આજે સામે આવ્યો છે. બિહારના પટણાના વિદ્યાર્થીઓને એક ભૂલના કારણે ગુજરાતના પાટણ સુધી ૧૬૦૦ કિ.મી. દૂર આવીને નીટની પરીક્ષા આપવાની ફરજ પડી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, બિહારના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પટનાની જગ્યાએ પાટણ નામ લખાઇ ગયું હતું. જેથી તેમનો નંબર ગુજરાતના પાટણમાં આવ્યો હતો, જેથી બિહારના વિદ્યાર્થીઓને ૧૬૦૦ કિ.મી. ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ૧૦થી વધુ વિદ્યાર્થીઓ પાટણ આવ્યા હતા. તેમને હાલ મહામુશ્કેલીઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. બિહારના તમામ વિદ્યાર્થીઓ હાલ પાટણની હોટલમાં રોકાયા છે અને હજુ પણ આવતીકાલ સુધી પટણાના અન્ય વિદ્યાર્થીઓ આવે તેવી શકયતા સેવાઇ રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, બિહારના વિદ્યાર્થીઓએ જ્યારે સાઇબર કાફેમાંથી નીટની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પરીક્ષા સેન્ટરની પસંદગીના ઓપ્શનમાં બિહારના પટણાના બદલે પાટણ સિલેક્ટ થઇ ગયું હતું. જેના કારણે બિહારના ૧૦થી વધુ વિદ્યાર્થીઓને આગામી ૫ મેના રોજ શરૂ થતી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓનાં નંબર પાટણ આર્ટસ કોલેજ ખાતે આવતા પટનાથી ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા આપવા માટે આવવું પડ્યું છે. વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષાની રિસીપ્ટ આવી ત્યારે ખબર પડી કે તેમને પટણાના બદલે પાટણ સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે હેલ્પલાઈન પર ઘણાં જ ફોન કર્યા, પરંતુ કોઈ જવાબ ના મળતા અંતે ભવિષ્યનો સવાલ હોઈ અમારે આટલી દૂર પરીક્ષા આપવા આવવું પડ્યું છે. કેન્દ્ર લેવલની ગણાતી નીટની પરીક્ષા આપવા આવેલ પટણાના વિદ્યાર્થીઓને અઠવાડિયા જેટલો સમય વ્યર્થ જતા પરીક્ષા બગડવાની શકયતા દેખાઇ રહી છે. હજુ પણ આવતીકાલ (રવિવારે) સુધી બિહારના પટણાના અન્ય વિદ્યાર્થીઓ આવે તેવી શકયતા છે. પટનાથી પાટણ પોતાની બહેનને પરીક્ષા અપાવવા આવેલા ભાઈ સસીનડે મીડિયાને જણાવ્યું હતું કે, નેહાકુમારીને પરીક્ષા આપવા માટે ૨ મેના રોજ અમે ઘરેથી પાટણ ખાતે આવવા નીકળ્યા હતા અને ત્રણ દિવસનો પ્રવાસ ખેડી પાટણ પહોંચ્યા છીએ. પરંતુ પરીક્ષા હજુ બે દિવસ બાદ હોઇ અહીં રોકાણ કરવાની ફરજ પડી છે. અને પરીક્ષા આપ્યા બાદ ફરી ત્રણ દિવસ ટ્રેનનો પ્રવાસ કરી પરત ઘરે જઈશું. પરીક્ષા અપાવવા પાછળ મારે દસ હજાર જેટલો ખર્ચ થશે. તો પાટણથી પટના સુધીની સફરમાં અનેક મુશ્કેલીઓ પડી છે. પરીક્ષાર્થી નેહાએ જણાવ્યું હતું કે ફોર્મ ભરવામાં કોમ્યુટરવાળાએ ભૂલથી પટનાના બદલે પાટણ સિલેક્ટ કરી દીધું હતું મારે પરીક્ષાની રીસિપ્ટ આવી ત્યારે મને જાણ થઇ કે આ પટના નહીં પણ ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા સેન્ટર આવેલ છે. મે હેલ્પ લાઈન પર અનેક ફોન કર્યા પરંતુ કોઈ જવાબ ના મળતા અંતે ભવિષ્યનો સવાલ હોઈ મારી પિતા સાથે હું ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા આપવા આવી છું. મારૂં એટલું જ કેહવું છે કે, બીજા રાજ્યના છાત્રોની ફોર્મમાં ભૂલ થાય તો પણ તેમને સેન્ટર ફાળવતા સમયે ચેક કરવું જોઈએ. જેથી અમારે મુશ્કેલી વેઠી આટલા દૂર પરીક્ષા આપવા આવવું ના પડે તે નીટ પરીક્ષાઓ લેનારાઓને સમજવું જોઈએ.