National

કાશ્મીરીઓ ભારતીય બનવા માંગતા નથી, તેઓ ચીનનું શાસન ઈચ્છે છે : ફારૂક અબ્દુલ્લાહ

 

(એજન્સી) તા.૨૪
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહે કહ્યું હતું કે, કાશ્મીર ખીણમાં હિન્દુઓને બહુમતમાં લાવવા માટેના ઉદ્દેશ્ય સાથે જ નવો ડોમિસાઈલ કાયદો ઘડવામાં આવ્યો હતો. રાજ્યમાં તેનાથી હિન્દુઓની સંખ્યા જ વધારવામાં આવશે, તે કાશ્મીરી લોકોની ઓળખ છીનવી લેવાનું કાવતરૂં છે. એક જાણીતા મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અબ્દુલ્લાહે હિન્દુવાદી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને કાશ્મીર અંગે તેણે કરેલા નિર્ણયો બદલ આકરા શબ્દોમાં વખોડી હતી. અબ્દુલ્લાહ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ પણ છે અને જમ્મુ-કાશ્મીરમાં રાજકારણમાં ચાર દાયકાથી એક પ્રસિદ્ધ ચહેરો રહ્યા છે.
તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો હવે એવું માનતા જ નથી કે, અનુભવતા પણ નથી કે, તેઓ ભારતીય રહ્યા છે. તેઓ કહે છે કે, અમે તો ચીનના શાસન હેઠળ રહેવા પણ તૈયાર છીએ, જ્યારે તમે ગમે તે એક નાગરિક સાથે મળીને પૂછશો તો તેનો મંતવ્ય તમને એવો જ સાંભળવા મળશે. તેમણે કહ્યું કે, કાશ્મીરીઓને ગુલામ માનવામાં આવી રહ્યા છે અને તેમને દ્વિતીય શ્રેણીના નાગરિકો તરીકે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૧૯માં ભાજપે જે ફેરફાર કર્યા હતા, તે કાશ્મીરની પ્રજાએ સ્વીકારી લીધા છે. કેમ કે, કાશ્મીરમાં ત્યારથી અત્યાર સુધી કોઈ પ્રદર્શન થયા નથી તેવા ભાજપના દાવાને વખોડતાં ફારૂક અબ્દુલ્લાહે તેને બકવાસ ગણાવી હતી.