National

કાસગંજ હિંસા : સીએમ યોગી આદિત્યનાથે અરાજકતા ફેલાવનાર લોકોની સામે આકરા પગલાંની ચેતવણી આપી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કાસજંગ હિંસા પર યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું કે અરાજકતા ફેલાવનાર લોકોની સામે કડક હાથે કામ લેવામાં આવશે. આદિત્યનાથે મીડિયાકર્મીઓને સંબોધિત કરતાં કહ્યું કે અમારી સરકાર દરેક નાગરિકને સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે હિંસા આચરનાર તત્વોની સામે તથા અરાજકતા ફેલાવનાર લોકોની સામે આકરા પગલાં ભરવામાં આવશે. રાજ્ય સરકારને મૂંઝવણી થાય તેવા એક ઘટનાક્રમમાં રાજ્યપાલ રામ નાઈકે કાસગંજ હિંસાને રાજ્ય પર એક કલંક સમાન ગણાવી. કાસગંજમાં હિંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની ચારેબાજુ વિરોધ પક્ષ દ્વારા ટિકા કરવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથે લાલ આંખ કર્યા બાદ પોલીસ મહાનિર્દેશક ઓપીસિંહે કાસગંજ હિંસાને લઇને તમામ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કોમી એકતા જાળવી રાખવા માટે બેઠક કરવા નિર્દેશ આપ્યા છે. તેમના તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહ્યુ છે કે તમામ દોષિતો અંગે માહિતી મેળવીને તેમની સામે ટુંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવનાર છે. યુપીના પોલીસ અધિકારીએ કહ્યુ છે કે સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું છે કે, હિંસાના મામલામાં તમામ સામે કાર્યવાહી થશે. સોમવારે મોડી રાત્રે માલગોદામરોડ પર સ્થિત દુકાનમાં આગ લગાવી દેવામાં આવ્યા બાદ વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. આજે કાસગંજના અમનપુર વિસ્તારમાં સ્થિત ધાર્મિક સ્થળ પર તોડફોડ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો પહોંચી ગયા હતા. આ પહેલા પોલીસે હિંસાના મામલે કાર્યવાહી કરીને નજરે ગેટ વિસ્તારમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે.