અમરેલી તા.૨
ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના દલિત સરપંચને ગામના બે શખ્સોએ પહેલા પોતાના ઘર પાસે સ્ટ્રીટ લઇ ફીટ કરવાનું કહી ઉશ્કેરાઈ જઈ તેમની સાથે અન્ય ૬ શખ્સો લાવી ખુલ્લી તલવાર ખપાળી તેમજ લોખંડના પાઇપ વતી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ખાંભા પોલીસમાં આંઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રહેતા અને છેલ્લા બે વર્ષથી ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા દેવશી કાનાભાઇ વાઢેર (ઉ.વ.૫૦) પોતાના ઘર પાસે ગૌશાળા પાસે સ્ટ્રીટ લાઈટનું કામ કરાવી રહ્યા હતા ત્યારે રાણીંગ રાવતભાઈ બોરીચા તેમજ આણંદ મનુભાઈ બોરીચા અને ઉદય મંગલુભાઈ બોરીચા નામના શખ્સો આવેલ અને રાણીગભાઇ કહેલ કે પહેલા અમારા વિસ્તારમાં લાઈટ ફીટ કરાવી આપો જેથી સરપંચ દેવશીભાઇ કહેલ કે આંખા ગામમા સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની છે. તમારા ઘર પાસે પણ સ્ટ્રીટ લાઈટ ફીટ કરાવી આપીશું તેમ કહેતા આવેલ શખ્સો ઉશ્કેરાઈ ગયેલ અને સરપંચને લોખંડનો પાઇપ મારવા જતા પકડી લીધો હતો અને સરપંચના ઘરના સભ્યો તેમજ આજુબાજુના માણસો ભેગા થઇ જતા ચાલ્યા ગયા હતા અને અડધો કલાક બાદ સરપંચ પોતાના ગૌશાળામાં બેઠા હતા ત્યારે ગૌશાળા બહાર ફરી વખત રાણીગભાઇ તેમજ આણદભાઈ અને ઉદયભાઈ સહિત તેમની સાથે ૫ અજાણ્યા માણસો આવ્યા હતા. જેઓના હાથમાં ખુલી તલવાર, ખપાળી તેમજ લોખંડના પાઇપ વતી સરપંચ ઉપર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઉપરોક્ત આંઠ શખ્સો સામે ખાંભા પોલીસમાં સરપંચે ફરિયાદ નોંધાવેલ હતી.