Ahmedabad

ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા જમાલપુરની મસ્જિદોના મૌલવીઓને ખજૂરના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા સામાજિક સદ્‌ભાવનાનું વધુ એક ઉદાહરણ પૂરૂં પાડવામાં આવ્યું હતું અને જમાલપુર વિસ્તારની મસ્જિદના ઈમામો વચ્ચે ખજૂરના પેકેટોનું વિતરણ કરી ખૂબ જ વખાણવાલાયક કામગીરી કરવામાં આવી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા દર વર્ષે રમઝાન માસમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે કોરોના મહામારીના કારણે જારી લોકડાઉનના પગલે ઈફ્તાર પાર્ટીનું આયોજન થઈ શકયું ન હતું, જેથી હવેલી પોલીસ સ્ટાફ દ્વારા રોજેદારો પ્રત્યે અલગ રીતે સદ્‌ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એન. પરમાર અને સ્ટાફ દ્વારા જમાલપુર વિસ્તારની ૩પથી ૪૦ જેટલી મસ્જિદોમાં ખજૂરના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મસ્જિદોના ઈમામો દ્વારા પણ પોલીસની આ ઉત્તમ કામગીરીને વખાણવામાં આવી હતી. આ અગાઉ પણ ગાયકવાડ હવેલી પોલીસ અને સ્થાનિક વેપારીઓ દ્વારા જમાલપુરમાં ફેશ માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ લોકડાઉનના કારણે તમામ મસ્જિદો બંધ છે, ત્યારે પોલીસ દ્વારા મસ્જિદના ઈમામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને શારીરિક અંતર સહિત લોકડાઉનના તમામ નિયમોનું પાલન કરી ખજૂરના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.