National

ગીતા અંગે પીએમ મોદીનું પોતાનું અર્થઘટન, તેઓ બીજાની મહેનતનું ફળ ખાવામાં માને છે : રાહુલ

(એજન્સી) નવી દિલ્હી,તા. ૬
વડાપ્રધાન મોદી પર પ્રહાર ચાલુ રાખતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે પીએમ મોદી ગીતા પર પોતાનું અર્થઘટન ધરાવે છે. તેઓ બીજાની મહેનતનું ફળ ખાવામાં માને છે. ગાંધીએ આક્ષેપ કર્યો કે મોદી બીજાની મહેનતું ફળ ખાવામાં માને છે. રાહુલે કહ્યું કે ગીતામાં એવું કહેવાયું છે કે તમારૂ કામ કરો, ફળની આશા ન રાખો. પરંતુ મોદીનું અર્થઘટન બીજાની મહેનતું ફળ ખાવામાં છે. હિમાચલમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં રાહુલે આવી ટિપ્પણી કરી હતી. રાહુલે કહ્યું કે મોદી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરે છે પરંતુ અમિત શાહના પુત્રના ભ્રષ્ટાચાર પર મોદી કેમ કંઈ બોલતા નથી. તેમણે કહ્યું કે દેશમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હિમાચલમાં થાય છે આ હું નથી કહી રહ્યો પરંતુ મોદી સરકારનું પ્લાનિંગ કમિશન કહી રહ્યું છે. આ પહેલા પણ રાહુલે મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે વિજય માલ્યા જેવા ડિફોલ્ટરો વિદેશમાં મોજ કરે છે અને અહીં ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, વેપારીઓ, મધ્યમવર્ગ નોટબંધી અને જીએસટીનો માર સહન કરી રહ્યા છે. મોદીનું ગુજરાત મોડેલ તમામ રીતે ફેલ ગયું છે અને ગુજરાતમાં અંડરકરંટનો માહોલ છવાયેલો છે, જે કરંટ ચૂંટણી વખતે ભાજપને લાગવાનો છે. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર જીએસટીની સફળતાને હાઈલાઈટ કરવા માટે મોટી કોન્ફરન્સનું આયોજન કરે છે પરંતુ લોકોમાં ઘણો ગુસ્સો વ્યાપ્ક છે. ભારતમાં બિઝનેશ કરવા માટે સરળ માહોલ રહ્યો નથી. જીએસટીએ તમામ વેપારને તબાહ કરી નાખ્યો. નોટબંધીની પહેલી એનિવર્સરી પૂર્વે રાહુલે મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે વડાપ્રધાન ભૂલી ગયા લાગે છે કે તમામ રોકડ કાળું નાણું નથી અને તમામ કાળું નાણુ રોકડમાં નથી. વિપક્ષોએ ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે.