Ahmedabad

ગુજરાતમાં ક્રાઈમ રેટ સૌથી ઓછો, ક્રાઈમ-ડિટેકશન મેન્ટેઈન કરાયો છે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ તંત્રની કામગીરીના વખાણ કરતાં રાજ્યનો ક્રાઈમ રેટ સૌથી ઓછો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, માથાભારે તત્ત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ પ્રસરે છે. આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે. રાજ્યના ૧૬૮ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પોલીસચંદ્રક એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોમી તનાવ હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયો છે. નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવામાં ગુજરાત પોલીસ સફળ નીવડી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે અને તેની નોંધ દેશભરમાં લેવાય છે. ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક ટકનિકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઈમ રેટ અને ક્રાઈમ ડિટેકશન રેટ મેન્ટેઈન કરવામાં આવ્યો છે. શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શક્ય ગુનાઓને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ ટેકનોસેવી છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે ગુના આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્ત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝિલવા સક્ષમ છે.