Ahmedabad

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બે હજાર ખાનગી શાળાઓ ખુલી

અમદાવાદ, તા.ર૩
તાજેતરમાં ખાનગી શાળાઓની ધરખમ ફી ઉઘરાવવાના નામે થતી ઉઘાડી લૂંટ સામે વાલીઓમાં રોષ ફેલાયો છે અને શાળાઓ ફીમાં વધારો કરી પોતાની મનમાની ચાલુ જ રાખે છે ત્યારે આવી ખાનગી શાળાઓની મનમાનીને સરકાર ક્યારે રોકશે ?ફી નિયમન ધારો લાવી સરકાર એક તરફ તો વાલીઓની સાથે હોય તેમ તેમને સતત આશ્વાસન આપે જાય છે અને ફીની ઉઘાડી લૂંટ સામે લાલ આંખ કરે છે જ્યારે બીજી તરફ બેરોકટોક ખૂલતી ખાનગી શાળાઓને મંજૂરી આપ્યા જ કરે છે તે સરકારનું બેવડું વલણ દર્શાવે છે. આવામાં ખાનગી શાળાઓની આ ઉઘાડી લૂંટના પરવાનામાં સરકાર પણ ક્યાંકને ક્યાંક ભાગીદાર બની છે.
મહત્ત્વનું એ છે કે વિધાનસભા પ્રશ્નોતરી ચાલી રહી છે તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા બે જ વર્ષ માં ૨૦૧૪ જેટલી ખાનગી શાળાઓને મંજૂરી મળી ચૂકી છે. કુલ આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા ૨ વર્ષ માં ખાનગી શાળાઓમાં ધરખમ વધારો થયો છે. એટલે કે બે વરસમાં ૨૦૧૪ નવી ખાનગી શાળાઓને પરવાનગી સરકારે મંજૂરી આપી છે. જેમાં ૧૩૧૭ પ્રાથમિક શાળાઓ ૩૯૬ માધ્યમિક શાળાઓ તથા ૩૦૧ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સૌથી વધુ ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. અમદાવાદમાં સૌથી વધુ પ્રાથમિક શાળાઓ ૨૨૯ને પરવાનગી મળી છે. અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં ૧૦૯, સુરતમાં ૧૬૬, બનાસકાંઠામાં ૧૦૮ શાળાઓને મંજૂરી આપી છે. જ્યારે વડોદરામાં ૬૭ શાળાઓને પરવાનગી મળી છે.
ખાનગી શાળાઓ એક તરફ ફી નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે તો બીજી તરફ આવી જ ખાનગી શાળાઓને સરકાર છુટો દોર આપી રહી છે. આવામાં સરકારના બેવડા ચહેરા બેનકાબ થઈ રહ્યા છે.