Ahmedabad

ઘરના ઉદ્યોગો ઘંટી ચાટે અને જાપાનના ઉદ્યોગોને આટો

સાણંદ ઇન્ડ્‌સ્ટ્રીઝ એસો..ના પ્રમુખ અજીત શાહ અને ખજાનચી અતુલ શાહે જણાવ્યું હતું કે, એકબાજુ, ગુજરાતના નાના ઉદ્યોગો મરી રહ્યા છે અને બીજીબાજુ, જીઆઇડીસીના અધિકારીઓ જાપાનના ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા લાલજાજમ બિછાવી તેઓને વીવીઆઇપી ટ્રીટમેન્ટ અને સરભરામાં પડયા છે. તાજેતરમાં જ જાપાનના ઉદ્યોગો માટે જમીનના ભાવોમાં ૧૦ ટકાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. એટલું જ નહી, જાપાનના ઉદ્યોગોને સબ લેટીંગ ફીસ(પેટા ભાડે)માં ત્રણ ટકાની જગ્યાએ માત્ર એક ટકાની રાહત કરી અપાઇ છે. જયારે ગુજરાતના ખાસ કરીને સાણંદના ઉદ્યોગોને પેનલ્ટી અને ઓરમાયા વર્તનથી ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, જાપાનના ઉદ્યોગો અથવા તો મલ્ટીનેશનલ કંપનીઓની કોઇપણ કામની ફાઇલો માત્ર ત્રણ-ચાર દિવસમાં કલીયર થઇ જાય છે, જયારે ગુજરાતના નાના ઉદ્યોગકારોના કોઇપણ કામને ત્રણ-ચાર મહિના પહેલા મંજૂરી મળતી નથી. તેમણે સાંણદના ઉદ્યોગકારોની મુખ્ય માગણીઓ કરી હતી જેમાં ઉદ્યોગકારોને પ્લોટો ૨૦૧૧માં ફાળવાયા પરંતુ માળખાગત સુવિધા ૨૦૧૫માં પૂરી પડાઇ તેથી તેઓને પ્લોટ એલોટમેન્ટની તારીખ બદલીને તા.૩૧-૩-૨૦૧૫ કરી આપો. સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની તેમની પ્લોટ ફાળવણીની જીઆઇડીસી સત્તાવાળાઓ સમક્ષ જે પડતર માંગણી છે, તે ફાઇલ અઢી વર્ષ ઉપરાંતના સમયથી અટવાયેલી છે, તેથી ઉદ્યોગકારોને તાત્કાલિક પ્લોટોની ફાળવણી કરો, નાના ઉદ્યોગકારો માટે બે વર્ષમાં ઉદ્યોગ સ્થાપવાની જે મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે વધારી ચાર વર્ષ કરવામાં આવે કારણ કે, માળખાગત સુવિધા આપવામાં વિલંબ સરકારે કર્યો છે. મોટા ઉદ્યોગોને ઉદ્યોગ સ્થાપવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવે છે, તો નાના ઉદ્યોગોને અન્યાય કેમ ? નાના ઉદ્યોગોને પણ ચાર વર્ષનો સમય જ આપવામાં આવે.