Ahmedabad

ઘરમાં ઘૂસી મહિલા સાથે જબરજસ્તી કરતો ચોકીદાર ઝડપાયો

અમદાવાદ, તા.ર૭
એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણની વાતો વાગોળવામાં આવી રહી છે. તો બીજી તરફ મહિલાઓ પર થતાં અત્યાચારના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં એક નરાધમે ઘરમાં ઘૂસીને નીંદર માણી રહેલી મહિલાની છેડતી કરી. જો કે, મહિલાની સર્તકર્તાના કારણે આરોપી પોલીસના હવાલે થઇ ગયો છે.
વાડજ વિસ્તારમાં પરિવાર સાથે સુઈ રહેલી મહિલાની અડધી રાત્રે છેડતી થતાં ચકચાર મચી ગઈ છે. વાડજમાં એક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતાં અને એ જ બિલ્ડીંગમાં રહેતા પરિવાર પર ૨૩મી ફેબ્રુઆરીએ આફતના વાદળો ઘેરાયા હતાં. પરિવારની મહીલા ગાઢ નીંદ્રામાં હતી. ત્યારે એક નરાધમે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો. જો કે, મહિલાએ તેના પતિને જાણ કરતાં જ આ નરાધમ ત્યાંથી પલાયન થવા ભાગ્યો હતો. પરંતુ મહિલાના પતિએ હિંમત દાખવીને નજીકના સિક્યુરીટી ગાર્ડની મદદથી તેને ઝડપી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. આરોપી એટલો શાતિર હતો કે, જાણે કે અગાઉથી જ રેકી કરીને તે ઘરમાં ઘૂસ્યો હોય તેમ પોતાની હરકતો સીસીટીવીમાં કેદ ન થાય તે માટે બિલ્ડીંગના સીસીટીવી કેમેરાનો વાયર કટ કરી દીધો હતો. પરંતુ અન્ય બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. જેમાં આ નરાધમ સતત અડધો કલાક કરતાં વધારે સમય ઘટનાસ્થળ પર દેખાઈ રહ્યો છે. આરોપી વાડજનો રહેવાસી અને તેનું નામ રજનીકાંત ઉર્ફે બિલાડી વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.