National

ચૂંટણી પંચે બિહારમાં મોદી સરકારના એજન્ટ તરીકે કામ કર્યું : CPIના ઉમેદવારનો આક્ષેપ

ચૂંટણી આયોગ સ્વાયત્ત બંધારણીય સંસ્થા હોવા છતાં બિહારમાં મોદી સરકારના એક ભાગ તરીકે કામ કર્યુ છે. આવો આક્ષેપ બિહારની બછવાડા બેઠક પરથી ચૂંટણી લડનાર અને

માત્ર ૪૮૪ વોટથી ચૂંટણી હારી જનાર CPIના ઉમેદવાર અવધેષકુમાર રાઇએ કર્યો છે

(એજન્સી) તા.૧૮
માત્ર ૪૮૪ મતથી હારી જનાર બછવાડા મતક્ષેત્રના સીપીઆઇના ઉમેદવાર અવધેશ કુમાર રાયે એવો આક્ષેપ કર્યો છે કે સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા ગણાતાં ભારતના ચૂંટણી પંચે મોદી સરકારના એજન્ટની જેમ કામ કર્યુ છે. ફોન પર નેશનલ હેરાલ્ડ સાથેની વાતચીતમાં અવધેશ કુમારે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચે ભાજપ-જદયુ ગઠબંધનની તરફેણમાં ચૂંટણીના પરિણામોને લઇ જવા માટે કોવિડ-૧૯ મહામારીના બહાના હેઠળ ચૂંટણીઓમાં ગેરરીતિ આચરી છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીને અમારા મહાગઠબંધન વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે એનડીએને તેનો ફાયદો કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો હું સવારથી જ સરસાઇ ધરાવતો હતો તો છેલ્લે ગણતરી સમાપ્ત થવા પર કઇ રીતે હારી શકું ? આ બેઠક પર ભાજપના સુરેન્દ્ર મહેતાનો વિજય થયો હતો. ચૂંટણી પંચે એનડીએની જીતમાં કેવી ભૂમિકા ભજવી છે તેના પર અવધેશ કુમાર રાઇએ આક્ષેપ કર્યો છે કે દરેક ડગલેને પગલે ચૂંટણી પંચે પક્ષપાત દાખવ્યો છે. તેમણેે જણાવ્યું હતું કે અમારા પોલીંગ એજન્ટને મત ગણતરીના દિવસે બપોર સુધી કોઇ યાદી આપવામાં આવી ન હતી. તેના પરથી ખબર પડી કે ચૂંટણી પંચ પોતાનું કામ યોગ્ય રીતે કરતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩૩ સભ્યોના બિહાર વિધાનગૃહમાં ૧૧ બેઠકો એવી રહી છે કે જ્યાં જીતનો તફાવત ૧૦૦૦ વોટ્‌સથી નીચે રહ્યો છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર જેડીયુ-ભાજપ-હમ-વીઆઇપીના એનડીએ ગઠબંધનને સાંકડી સરસાઇવાળી બેઠકોમાંથી ૨૧ બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે, જેમકે હીલ્સામાં રાજદના ઉમેદવાર માત્ર ૧૨ મતથી હારી ગયાં હતા. એ જ રીતે બાઢબીઘામાં જનતાદળ-યુના સુદર્શનકુમારે કોંગ્રેસના ગજાનમંદ સાહીને માત્ર ૧૧૩ વોટથી હરાવ્યાં હતા. ગોપાલ ગંજમાં સીપીઆઇના જીતેન્દ્ર પાસવાન જેડીયુના સુનિલકુમાર સામે ૪૬૨ વોટથી હાર્યા છે. સીપીઆઇ-એમએ ફેર મતગણતરીની માગણી કરી હતી પરંતુ તેની ઉપેક્ષા કરવામાં આવી છે.