જામનગર, તા.ર
જામનગરમાં વિકરાળ પંજો ફેલાવતા જતા ડેન્ગ્યુના ડંખમાં ૩૬ લોકો સપડાયા હતા. આમ બે દિવસમાં જ ૭ર લોકોને ડેન્ગ્યુ લાગુ પડી જતાં સરકારી હોસ્પિટલમાં તમામ સંબંધિત વોર્ડ હાઉસફૂલ થઈ ગયા છે.
જામનગરમાં જૂન માસથી સતત વકરી રહેલા ડેન્ગ્યુના રોગચાળામાં દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની સારવાર માટે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા ૭૯ દર્દીઓના જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા પછી તેમાંથી ૩૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. એટલે કે, ૩૬ દર્દીઓને ડેન્ગ્યુ લાગુ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરમ દિવસે પણ ૩૭ દર્દીઓને ડેન્ગ્યુ લાગુ પડ્યો હતો. આમ ફક્ત બે દિવસમાં ૭૩ દર્દીઓને ડેન્ગ્યુ જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલની સ્થિતિએ જી.જી. હોસ્પિટલમાં ૧૩૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ગત સપ્ટેમ્બર માસ સૌથી ખરાબ સાબિત થયો છે. આ એક માસમાં જામનગરમાં પ૯૧ દર્દીઓને ડેન્ગ્યુનો રોગ લાગુ પડ્યો હતો.