નડિયાદ, તા.૧૧
ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત તથા મહેમદાવાદ, મહુધા, ચકલાસી, ડાકોર અને ખેડા નગરપાલિકાની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાવાની છે તે પૂર્વે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મહિલા અગ્રણી જયોતિબેન પંડ્યાની ખેડા જિલ્લા પંચાયતના નિરીક્ષકો પદે નિમણૂક કરાઈ હતી. જેઓએ જિલ્લા પંચાયતના છ તાલુકાના ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા. ખેડા જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે નડિયાદ ‘કમલમ્’ ખાતે આજે એક બેઠકનું આયોજન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મહિલા અગ્રણી જ્યોતિબેન પંડ્યાના સાનિધ્યમાં આજે ખેડા, માતર, વસો, મહેમદાવાદ, મહુધા અને નડિયાદ તાલુકામાં આવેલ બેઠકોના ઈચ્છુક ઉમેદવારોને તેઓના બાયોડેટા સાથે બોલાવીને સાંભળવામાં આવ્યા હતા. આવતીકાલે શુક્રવારે કપડવંજ, કઠલાલ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ઉમેદવારોને પણ આજ રીતે બોલાવીને તેઓના બાયોડેટા સાંભળવામાં આવશે. ત્યારબાદ આ ઉમેદવારોમાંથી યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પેનલ પ્રદેશ કક્ષાએે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે તે યોગ્ય ઉમેદવારને ભાજપનું મેન્ટેડ ફાળવીને ચૂંટણી લડવા માટે સૂચન કરવામાં આવશે.