International

જેરૂસલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે જાહેર કરવા મામલે અમેરિકાને લપડાક, ૧ર૮ દેશોએ નિર્ણયનો વિરોધ કર્યો

(એજન્સી) તા.રર
જેરૂસલેમના દરજ્જા અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું. યુએન મહાસભાએ ગુરુવારે પ્રસ્તાવ પાસ કરી અમેરિકાને જેરૂસલેમના પાટનગર તરીકે માન્યતા આપવાના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો અને આ નિર્ણય પાછો ખેંચી લેવા કહ્યું. ભારત સહિત ૧ર૮ દેશોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો જ્યારે ૯ દેશોએ જ તેના વિરોધમાં મતદાન કર્યુ જ્યારે ૩પ જેટલા દેશો ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાની વિદેશનીતિ સવાલોના ઘેરામાં આવી ગઇ છે.
– કયા મુદ્દે મતદાન થયું ?
ટ્રમ્પ દ્વારા જેરૂસલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે દુનિયાભરમાં વિરોધ થયો. આ પ્રસ્તાવ પર ભાર મૂકાયો કે જેરૂસલેમના દરજ્જા અંગે ચર્ચા થવી જોઇએ. તેમાં પરિવર્તન સામે અફસોસ વ્યક્ત કરાયો. યુએન મહાસભામાં પ્રસ્તાવમાં અમેરિકાના આ નિર્ણયને અમાન્ય ઘોષિત કરાયો.
– અમેરિકાને કોઇ મોટા દેશે સાથ ના આપ્યો :
યુએન પ્રસ્તાવમાં કહેવાયું કે તમામ દેશ જેરૂસલેમમાં પોતાના રાજકીય મિશનને સ્થાપિત કરતા બચે. અમેરિકાને સાથ આપનારામાં કોઇ મોટો દેશ સામેલ નહોતો. ઇઝરાયેલ ઉપરાંત ગ્વાટેમાલા, હોન્ડુરાસ, માર્શલ આઇસલેન્ડ્‌સ, માઇક્રોનેશિયા, પલાઉ, ટોગો અને અમેરિકાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું.
– હવે શું થશે ?
ભલે યુએનના સભ્ય અમેરિકા વિરુદ્ધ એકજૂથ બની જાય પણ વધારે ફેર પડવાનો નથી. આ પ્રસ્તાવ અમેરિકાના વલણને ફગાવે છે પણ નીતિમાં પરિવર્તન કે તાત્કાલિક કાર્યવાહીની વાત નથી કરતો. તેનાથી સ્પષ્ટ છે કે તેની મહત્તા ફક્ત સાંકેતિક છે. જોકે અમેરિકા વિરુદ્ધ જતા અનેક દેશોના તેની સાથેના સંબંધો જરુરથી બગડી શકે છે.
– ભારતનું વલણ મહત્વનું :
ભારત હંમેશા પેલેસ્ટીન અને ઇઝરાયેલ વચ્ચે સંતુલન જાળવતું આવ્યું છે પરંતુ તાજેતરના સમયમાં તેના અમેરિકા તથા ઇઝરાયેલ સાથેના સંબંધો વધ્યા હતા. પરંતુ તેમ છતાં ભારતે પ્રસ્તાવને ટેકો આપતા અમેરિકાને ઝાટકો આપ્યો હતો. ભારત માટે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ચાલવું મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કાશ્મીરના મુદ્દાને કારણે. ભારત માટે આ પ્રસ્તાવને ટેકો આપવો કોઈ નવી વાત નથી કેમ કે ગત પ૦ વર્ષોમાં ભારતે તેને અનેકવાર ટેકો જાહેર કર્યો છે.
તુર્કી અને યમન વતી પ્રસ્તાવ રજૂ કરાયો હતો :
૧ર૮ દેશોએ તુર્કી, યમન તરફથી રજૂ કરાયેલ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપ્યો.
૯ દેશોએ અમેરિકાના સમર્થનમાં વોટ આપ્યો
૩પ દેશો આ મતદાન વખતે ગેરહાજર રહ્યા.
એર્દોગાને કહ્યું : આ વખતે દુનિયા ટ્રમ્પને પાઠ ભણાવશે
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે લોકતંત્રના દાવેદાર અમેરિકા ડોલર અને ધમકીઓના જોરે દેશોની ઇચ્છાઓને ખરીદવા માટે પ્રયાસ કરે છે. અમેરિકાની ધમકીઓ સામે કોઇ નમવાનું નથી અને ન તો અમેરિકા વોશિંગ્ટન ડોલરના માધ્યમથી કોઇ દેશને કે અમને ખરીદી શકશે. આશા છે કે આ વખતે દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પે જોરદાર પાઠ ભણાવશે.