National

દેશમાં વિવિધ રાજ્યો દ્વારા અનેક છૂટછાટ અપાઇ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કોરોના વાયરસને કારણે થયેલા ૫૫ દિવસના આકરા લોકડાઉન પછી કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને દેશના વિવિધ રાજ્યો દ્વારા સોમવારે લોકો માટે રાહત આપતા અનેક પ્રકારની છૂટછાટ આપી છે. દેશના તમામ રાજ્યોએ પોતાના લોકોને રાહતો આપી હતી જેમાં જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંતની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાનીજાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને આંતરરાજ્ય બસો દોડાવવા તથા સલૂન, ગેરેજો, વાળંદની દુકાનો સહિતની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૩૭૯ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૮૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં ૧૧૨૨૪, દિલ્હીમાં ૧૦૦૫૪, રાજસ્થાનમાં ૫૨૦૨, મધ્યપ્રદેશમાં ૪૯૭૭ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૪૨૫૯ કેસ સામે આવ્યા છે.દેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેંસિંગ બધું જ થઇ રહ્યું છે પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. તેનું એક મોટું કારણ લોકડાઉન ૩.૦માં આપવામાં આવેલી છૂટછાટ હોઇ શકે છે. તેના અંતર્ગત દેશમાં દુકાનો ખોલવામાં આવી, લોકોને એક ચોક્કસ સમયમાં ઘરોમાંથી નીકળવાની આઝાદી આપવામાં આવી, કારણ કે દુકાનો બંધ હોવાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ થોભી ગઇ હતી, આથી લોકોના ભૂખ્યા મરવાની નોબત આવી ગઇ હતી.

લોકડાઉન-૪માં બંગાળે મોટા સ્ટોર, પાર્લર, સલૂન ખોલવાની જાહેરાત કરી પણ રાત્રી કરફ્યુ નહીં

(એજન્સી) કોલકાતા, તા. ૧૮
કેન્દ્રની ગાઇડલાઇન સાથે ૩૧ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યું હતું કે, તેમની સરકાર રાત્રી કરફ્યૂ લાદવા જઇ રહી નથી. પશ્ચિમ બંગાળમાં લોકડાઉન-૪ માટે નવી ગાઇડલાઇન જાહેર કરવા પત્રકાર પરિષદ યોજી મુખ્યમંત્રીએ કહ્યું કે, રાત્રી કરફ્યૂના નામે અમે લોકોને હેરાન કરવા માગતા નથી. તેમણે કહ્યું કે, લોકડાઉન ચાલુ રહેશે પણ હું લોકોને અપીલ કરૂં છું કે, સાંજે સાત વાગ્યા પછી તેઓ ઘરની બહાર ના નીકળે. અમે કરફ્યી લાદી રહ્યા નથી પણ બધા સહયોગ આપે. રાજ્ય સરકારે ત્રણ ભાગમાં કન્ટેનમેન્ટ ઝોન વહેંચ્યા છે. એ(અસરગ્રસ્ત ઝોન), બી(બફર ઝોન) અને સી(ક્લિન ઝોન). જ્યારે ઝોન-એમાં મોટાભાગના અંકુશો ચાલુ રહેશે. બી ઝોનમાં કેટલીક છૂટછાટ અપાશે અને સી ઝોનમાં સંપૂર્ણ રાહત અપાશે.
મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે, નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ૨૧મી મેથી રાજ્યના તમામ મોટા સ્ટોર્સ ચાલુ કરાશે. ૨૭મી મે પછી રાજ્ય સરકારો ઓટો રિક્ષાને પણ પરવાનગી આપી છે પરંતુ તેમાં માત્ર બે પેસેન્જર હોવા જોઇએ. આંતરજિલ્લા બસ સેવા ૨૧ મેથી શરૂ થશે. ફેરિયા બજારો ઓડ-ઇવન ફોર્મ્યુલાથી વૈકલ્પિક દિવસો પ્રમાણે ખુલશે. પોલીસ કમિશનો અને મ્યુનિસિપાલિટીઓ ફેરિયા વિસ્તારોની ફાઇન પ્રિન્ટ બનાવશે જેથી આકરી રીતે સોશિયલ ડિસ્ટન્સના નિયમ પાળી શકાય. રેસ્ટોરન્ટ્‌સ બંધ રહેશે પરંતુ હોટેલો, સલૂન અને પાર્લરને નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં ચાલુ કરાશે સાથે પહેલા યોગ્ય રીતે સેનિટાઇઝેશન કરવું પડશે. ખાનગીઓફિસો ૫૦ ટકા વર્કફોર્સ સાથે સંચાલિત કરાશે. તેમણે કહ્યું કે, ૨.૫થી ૩ લાખ શ્રમિકો પશ્ચિમ બંગાળમાં પરત ફર્યા છે. આ મુદ્દાને રાજકીય ના બનાવો. મારી બધા રાજ્યોને વિનંતી છે કે, અમારી લોકોનું ધ્યાન રાખે. અમે બધાને પરત લાવવા માગીએ છીએ પરંતુ આ કામ એક દિવસમાં શક્ય નથી. આ માટે અમારી પાસે યોજના છે અને તેને શરૂ કરીએ. આગામી ૨-૩ દિવસમાં અમે ૧૨૦ વધુ ટ્રેનની માગણી કરીશું.

કોવિડ-૧૯ લોકડાઉન-૪ : વાળંદની દુકાનો સહિત શોપ્સ, માર્કેટ, સલૂન અને સ્પા ખૂલશે; મોલ્સ હજુ પણ બંધ રહેશે, રેડ ઝોનમાં ઇ-કોમર્સ પ્રવૃત્તિ પર હજુ પ્રતિબંધ

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
ગૃહ બાબતોના મંત્રાલયે રવિવારે સાંજે ૩૧મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત સાથે નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. નવા નિયમો અનુસાર વાળંદની દુકાનો સહિતની દુકાનો અને માર્કેટ, સલૂન અને સ્પા ખૂલશે પરંતુ મોલમાં રહેલી આવી દુકાનોને મંજૂરી અપાઇ નથી. આ દુકાનો માટે સમયમર્યાદા નક્કી કરાઇ છે. રેડ ઝોનમાં બિનજરૂરી સામાનને પણ ડિલિવર કરવાની ઇ-કોમર્સ કંપનીઓને મંજૂરી અપાઇ છે. જોકે, સોશિયલ મીડિયા પર સોમવાર સવારથી જ અનેક લોકોએ મુંઝવણ ઉભી કરી હતી. નોઇડા જેવા વિસ્તારોમાં ઇ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી વસ્તુઓ ડિલિવર કરવાની પરવાનગી અપાઇ નથી જે લોકડાઉન-૩માં પણ હતી. બીજી તરફ ઇ-કોમર્સ કંપનીઓ હજુ પણ રાજ્યોના વિવિધ વિસ્તારોમાં સેવાઓ શરૂ કરવાની જાહેરાતની રાહ જોઇ રહી છે. સત્ય એ છે કે, ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉન સમાપ્ત થવાના કેટલાક કલાકો પહેલા જ નવી ગાઇડલાઇન બહાર પાડી હતી જેનાથી રેડ ઝોનમાં આવેલા ઉદ્યોગપતિઓ અને જિલ્લા તંત્રોમાં મુંઝવણ પેદા થઇ હતી.

લોકડાઉન-૪ની શરૂઆતમાં ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનમાં ઇ-કોમર્સથી લઇને ફ્લાઇટમાં કોને મંજૂરી અને કોને નહીં ?

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
કેન્દ્ર સરકારે ફરી એકવાર દેશવ્યાપી લોકડાઉનને ૩૧ મે સુધી વધારી દીધું છે. ચોથા તબક્કાનું લોકડાઉન કેન્દ્રીય ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન સાથે આવ્યું છે. કેન્દ્ર સરકારે રવિવારે સાંજે ગાઇડલાઇનની વિગતો જારી કરી હતી. કેન્દ્રએ આ સાથે જ રાજ્યોને રેડ ઝોન, ઓેરેન્જ ઝોન અને ગ્રીન ઝોન નક્કી કરીને તે પ્રમાણે છૂટછાટ આપવાની સત્તા આપી હતી. ઝોન નક્કી કરવાની રાજ્યો દ્વારા કેન્દ્ર પાસેથી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી.
દેશ માટે સોમવારથી લાગુ કરાયેલા લોકડાઉનની ગાઇડલાઇનમાં શું છે
૧. કોઇ ફ્લાઇટના સંચાલનને મંજૂરી નહીં. મેડિકલ સામાન, સાધનો અથવા અન્ય જરૂરી વસ્તુઓની હેરફેર કરતી ફ્લાઇટને જ મંજૂરી અને ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટો જ ઉડી શકશે. ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ અને બચાવકાર્યમાં લાગેલી ફ્લાઇટોને મંજૂરી.
૨. ગૃહ મંત્રાલયે આ ઉપરાંત ટ્રેનની અવર જવર પર પણ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. માત્ર શ્રમિક સ્પેશિયલ ટ્રેન, અન્ય સ્પેશિયલ ટ્રેન, પાર્સલ અને સામાન લઇ જતી ટ્રેનને જ મંજૂરી.
૩. કન્ટેનમેન્ટ ઝોન અને મોલ સિવાયની તમામ દુકાનોને લોકડાઉન-૪ દરમિયાન સમયમર્યાદા સાથે ખોલવાની મંજૂરી. મોલ સિવાયના સલૂન, હજામત અને સ્પાને ખોલવાની મંજૂરી. આ છૂટછાટને કન્ટેનમેન્ટ ઝોન સિવાય મંજૂરી.
૪. દિલ્હી મેટ્રો સહિત તમામ મેટ્રો સેવાઓ ૩૧મી મે સુધી બંધ રહેશે. ડીએમઆરસીએ નિવેદન આપીને કહ્યું છે કે, આ સમયગાળામાં દિલ્હી મેટ્રો બંધ રહેશે.
૫. ૩૧મી સુધી વધારેલા લોકડાઉનમાં તમામ સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો અને પૂજા તથા ઇબાદતના ધર્મસ્થાનો બંધ રહેશે.
૬. ૬૫ વર્ષની ઉપરની વયના લોકો, રોગથી પીડાતા, ગર્ભવતી મહિલા, ૧૦ વર્ષથી નાના બાળકોએ ઘરે જ રહેવું.
૭. સમગ્ર દેશમાં સવારે રાત્રો ૭થી સવારે ૭ સુધી લોકોની અવર જવર પર પ્રતિબંધ, આમાં જરૂરી સેવાઓ બાકાત છે. આ સમય દરમિયાન તમામ બિનજરૂરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
૮. ઇ-કોમર્સ કંપનીઓ માત્ર જરૂરી સામાન અને તમામ સામાન ડિલિવર કરી શકશે. આમાં બિનજરૂરી સામાનનો પણ સમાવેશ. આ પ્રવૃત્તિ કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધિત રહેશે.
૯. ૩૧મી મે સુધી હોટેલ, રેસ્ટોરન્ટ્‌સ, સિનેમા હોલ, મોલ્સ, સ્વિમિંગ પૂલ, જીમ હજુ પણ બંધ રહેશે. રેસ્ટોરન્ટ્‌સને તેમના કિચન માત્ર બહાર ભોજન લઇ જવા માટે જ મંજૂરી.
૧૦. ગૃહ મંત્રાલયે આંતરરાજ્ય અને રાજ્યની અંદર કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંં પેસેન્જર વાહનો અને બસોના સંચાલનને મંજૂરી. આ સેવાઓ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સંકલનમાં સામેલ હોવી જોઇએ.
૧૧. શહ્રેરો અને નગરોમાં સ્થાનિક પરિવહન વિશે ટેક્ષી અને ઓટો રિક્ષાના સંચાલન અંગે નિર્ણય કરવાની સત્તા કેન્દ્રએ રાજ્યોને આપી.
૧૨. ૩૧મી સુધી લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો અને શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે.
૧૩. સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમને ખોલવા પરવાનગી, પરંતુ સરકારે કહ્યું છે કે, રમતો જોવા પ્રેક્ષકોને મંજૂરી નહીં.