(એજન્સી) તા.૨૨
અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેનના પ્રશાસનને લઇને આશાવાદ પર ગુરૂવારે મોટા ભાગના વૈશ્વિક શરે બજારોમાં ભારે તેજી જોવા મળી હતી અને શેરોના ભાવમાં પણ મોટા ઉછાળા આવ્યાં હતાં.એવી ઉજ્વળ આશા છે કે અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનનું પ્રશાસન અમેરિકાના ઝઝૂમી રહેલા અર્થતંત્રને વધુ જોમ પૂરૂં પાડશે અને ખાસ કરીને નિકાસ પ્રેરીત એશિયાઇ પ્રદેશ અને વિશ્વના બાકીના દેશોના અર્થંતંત્રમાં વેગ આવશે. ફ્રાંસનો સીએસી ૪૦ ઇન્ડેક્ષમાં ૦.૪ ટકાનો ઉછાળો આવતાં તે શરૂઆતમાં ૫૬૪૮.૨૯ પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે જર્મનીનો ડીએએક્સ ૦.૬ ટકા વધીને ૧૪૦૦૩.૮૨ની સપાટીએ પહોંચ્યો હતો.બ્રિટનના એફટીએસઇ ૧૦૦માં ૦.૨ ટકાનો ઉછાળો આવતાં તે ૬૭૫૩.૦૮ની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકામાં પણ ડાઉ ફીચર્સ ૦.૧ ટકા જેટલો વધીને ૩૧૧૧૬.૫ની સપાટીએ પહોંચ્યો હતો. જાપાનનો બેંચ માર્ક નિકી ૦.૮ ટકાના ઉછાળા સાથે ૨૨૫ પોઇન્ટ વધીને ૨૮૭૫૬.૮૬ પર બંધ આવ્યો હતો. જ્યારે દ.કોરીયાનો કોસ્પીમાં ૧.૫ ટકાની તેજી જોવા મળી હતી જે ૩૧૬૦.૮૪ પર પહોંચ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૦.૧ ટકા ઘટીને ૨૯૯૨૭.૭૬ પર આવી ગયો હતો અને શાંઘાઇ કમ્પેઝીટમાં ૧.૧ ટકાની તેજી આવતાં ૩૬૨૧.૨૬ પર પહોંચ્યો હતો. જાપાનના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ ડેટા પરથી એવો નિર્દેશ મળ્યો છે કે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર હવે રીકવર થઇ રહ્યું છે કારણકે ડિસે.માં બે વર્ષમાં પ્રથમ વખત નિકાસ અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૨ ટકા જેટલી વધી છે. આયાતમાં ૧૧.૬ ટકાનો ઘટાડો થયો છે. જાપાનના અર્થતંત્રની જેમ પ્રદેશના અન્ય અર્થતંત્રોને પણ કોરોના વાયરસ મહામારીને કારણે ફટકો પડ્યો છે કારણ કે આ મહામારીથી પ્રવાસ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે અને તેના પરિણામે આર્થિક પ્રવૃત્તિ અને વ્યાપારમાં મંદી જોવા મળી છે. બેંક ઓફ જાપાને અપેક્ષા મુજબ તેની પોલિસી બોર્ડ મિટીંગમાં સરળ મોનેટરી પોલિસી જાળવી રાખી છે. ટોક્યો અને જાપાનના અન્ય શહેરી વિસ્તારમાં ઇમરજન્સી જેવી સ્થિતિ હેઠળ છે કારણ કે કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. જો બાઈડેને રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા સાથે જ માત્ર કેટલીક કલાકોમાં જ તેમણે એક્શન શરૂ કરી દીધાં હતાં અને ઝઝૂમી રહેલા અર્થતંત્રમાં ૧.૯ ટ્રિલિયન વધુ ઠાલવવાનો તેમનો પ્લાન છે. આ અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કારણકે હવે તેમના ડેમોક્રેટીક પાર્ટીનો વ્હાઇટહાઉસ અને કોંગ્રેસના બંને ગૃહો પર કંટ્રોલ છે.