National

પંજાબે પણ ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, ઓરિસ્સા પછી બીજું રાજ્ય

(એજન્સી) ચંદીગઢ, તા. ૧૦
પંજાબ કેબિનેટે શુક્રવારે કોરોના વાયરસના લોકડાઉનને ૩૦મી એપ્રિલ સુધી વધારવા અંગે સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ સાથે જ દેશમાં ઓરિસ્સા પછી લોકડાઉન વધારવાનો નિર્ણય લેનાર પંજાબ બીજું રાજ્ય બની ગયું છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૧૪મી એપ્રિલ સુધી રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદીએ ૨૩મી એપ્રિલે રાતે આઠ વાગે કરી હતી. શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સથી પત્રકારોને સંબોેધતા મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કહ્યું કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતાં લોકડાઉન અને કર્ફયુ લંબાવવાની જરૂર તેમને લાગે છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના કેસો વિશ્વ તથા ભારતમાં હજુ પણ વધી રહ્યા છે. તેમાંથી પંજાબ કેમ બાકાત રહી શકે? અમે અન્ય રાજ્યો કરતા આ રોગચાળાને રોકવામાં થોડા સફળ રહ્યા છીએ. પરંતુ હજુ પણ તેના ફેલાવાની શક્યતા છે. અમે આગળની યોજના તૈયાર રાખી છે અને સામાજિક સંપર્ક ઘટાડવા માટે લોકડાઉનની પદ્ધતિ જ યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત પણ સૌપ્રથમ પંજાબે જ કરી હતી જ્યાં અત્યારે વાયરસના ૧૩૨ કેસો છે. ઉત્તરપ્રદેશ, તેલંગાણા ,મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા કેટલાક રાજ્યોએ પણ ૧૪મી એપ્રિલ પછી લોકડાઉન ચાલુ રાખવાની હાકલ કરી છે અને કહ્યું છે કે, લાંબા સમય સુધી લોકડાઉન રહેશે તો કોરોના સામે સરળતાથી લડી શકાશે. ૮મી એપ્રિલે વડાપ્રધાને વિપક્ષી નેતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રોગચાળા પછી પણ જીવન સામાન્ય બની શકશે નહીં. કોરોના પહેલા જેવું જીવન લાંબા સમય સુધી બની શકશે નહીં. બીજી તરફ નિષ્ણાતોએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે, લાંબા સમયથી લોકડાઉનને પગલે દેશનો ઉદ્યોગ મરણપથારીએ છે અને તે અર્થતંત્રને વધુ નબળું બનાવી રહ્યું છે.