Sports

પેનલ્ટી શૂટઆઉટમાં ડેનમાર્કને હરાવી ક્રોએશિયા ક્વાર્ટર ફાઈનલમાં

નિજનીે,તા. ૨
ફીફા વર્લ્ડ કપ રાઉન્ડ ૧૬ની ગઇકાલે મોડી રાત્રે બીજી મેચ પણ પેનલ્ટી શુટઆઉટ મારફતે નિર્ણય સુધી પહોંચી હતી. આ મેચમાં આજે વહેલી પરોઢે ક્રોએશિયાએ જોરદાર દેખાવ જારી રાખીને ડેનમાર્ક પર ૩-૨થી જીત મેળવી લીધી હતી. ક્રોએશિયાની ટીમ સતત ચાર જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં હવે પ્રવેશી ગઇ છે. તેની ટક્કર હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યજમાન રશિયા સામે થશે. નિજની ખાતે રમાયેલી મેચમાં ક્રોશિયા અને ડેનમાર્કે જોરદાર રમત રમી હતી. શરૂઆતી મિનિટોમાં બંને ટીમોએ એક એક ગોલ કર્યા બાદ છેલ્લા ૮૦ મિનિટ સુધી કોઇ ટીમ ગોલ કરી શકી ન હતી. જેથી મેચ પહેલા વધારાના સમયમાં અને ત્યારબાદ પેનલ્ટી શુટઆઉટમાં પ્રવેશી હતી. ક્રોએશિયા તરફથી ૩૨ વર્ષીય ફોરવર્ડ ખેલાડી મારિયો મેડજુકિચે જોરદાર ગોલ કર્યો હતો. ડેનમાર્ક તરફથી પ્રથમ ગોલ પ્રથમ જ મિનિટમાં મેથિયાસે કર્યો હતો. બંને ટીમોની રમતમાં ગોલકિપરની ભૂમિકા નિર્ણાયક રહી હતી. ક્રોએશિયાને એક પેનલ્ટી મળી હતી. પરંતુ સ્ટાર ખેલાડી મોડ્રિચ ગોલ કરવામાં સફળ રહ્યો ન હતો. ક્રોએશિયાના ગોલકિપર સુબાસિચે જોરદાર બચાવ કર્યો હતો.