National

બાબરી મસ્જિદ હતી, મસ્જિદ છે અને મસ્જિદ રહેશે : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

મસ્જિદની અંદર મૂર્તિઓની પૂજા કરવી અથવા લાંબા સમયથી નમાઝ અને સલાત પર પ્રતિબંધ મૂકવાથી  મસ્જિદનો દરજ્જો બદલાતો નથી, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, મંદિરને તોડ્યા બાદ બાબરી મસ્જિદ બાંધવામાં આવી નથી, ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ બાબરી મસ્જિદમાં મૂર્તિઓની સ્થાપના ગેરકાયદે અને અપરાધિક કૃત્ય હતું, એ કમનસીબી છે કે બહુમતીવાદના દબાણમાં ચુકાદો મસ્જિદની તરફેણમાં ન આવ્યો : મૌલાના વલી રહેમાની

(એજન્સી)                                      નવી દિલ્હી, તા. ૫

બાબરી મસ્જિદ શહીદીના સ્થળે ભવ્ય રામ મંદિર માટે ભૂમિ પૂજન બાદ ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતે એક નવો ઇતિહાસ લખ્યો છે ત્યારે ટિ્‌વટર પર અનેક ટિ્‌વટરાતિઓએ લખ્યું કે, બાબરી મસ્જિદ હંમેશાથી મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ કેસ લડનાર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, બાબરી મસ્જિદ હતી, મસ્જિદ છે અને હંમેશા મસ્જિદ જ રહેશે. તેને પચાવી પાડવાથી વાસ્તવિકતા બદલાઇ શકે નહીં. પોતાના જુના વલણ પર વળગી રહેતા બોર્ડે કહ્યું કે, જ્યારથી મસ્જિદની સ્થાપના થઇ ત્યારથી તે મસ્જિદ છે અને ઇસ્લામિક કાયદા અનુસાર વિશ્વના અંત સુધી આ મસ્જિદ જ રહેશે. હવે બાબરી મસ્જિદનું અસ્તિત્વ ભૂતકાળ બની ચૂક્યું છે છતાં ઇન્શા અલ્લાહ હવે અને ભવિષ્યમાં તે મસ્જિદ જ રહેશે. મસ્જિદમાં મૂર્તિઓ સ્થાપવી, મસ્જિદની અંદર મૂર્તિઓની પૂજા કરવી અથવા લાંબા સમયથી નમાઝ અને સલાત પર પ્રતિબંધ મુકવાથી  મસ્જિદનો દરજ્જો બદલાતો નથી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડના મહાસચિવ મૌલાના મોહમ્મદ વલી રહમાનીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, બોર્ડનું હંમેશાથી માનવું છે કે, મંદિર અથવા હિંદુઓના પૂજા સ્થળને તોડ્યા બાદ બાબરી મસ્જિદ બાંધવામાં આવી નથી. નવેમ્બર ૨૦૧૯ના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ બોર્ડને વલણની પુષ્ટી કરાઇ છે. મૌલાના રહમાની અનુસાર સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદમાં ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રી સુધી નમાઝ થતી હતી. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ બાબરી મસ્જિદમાં મૂર્તિઓની સ્થાપના ગેરકાયદે અને અપરાધિક કૃત્ય હતું. એ કમનસીબી છે કે, મસ્જિદની તરફેણમાં સ્પષ્ટ પુરાવા હોવા છતાં સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદર મૂર્તિઓની ગેરકાયદે સ્થાપના અને શહીદ કરી અપરાધ કરનારાઓને બાબરી મસ્જિદની જગ્યા સોંપી દીધી. તેમણે કહ્યું કે, હવે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અમારે માનવો જ રહ્યો. પણ અમે ચોક્કસપણે કહી શકીએ કે, આ બહુમતીવાદના દબાણને કારણે મનસ્વી અને અન્યાયી નિર્ણય લેવાયો હતો.