(સંવાદદાતા દ્વારા)
પાલેજ, તા.૪
ગત રાત્રે પાલેજ સ્થિત આવેલ ફિલિપ્સ કાર્બન બ્લૅક કંપની દ્વારા હવામાં કાર્બન બ્લૅક પાઉડરનો મારો કરવામાં આવતા પાલેજના લોકોના ઘરના ધાબા, ઓટલા, વાહનો સુદ્ધામાં કાળાશ વ્યાપી જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. પાલેજ જી.આઈ.ડી.સી. સ્થિત આવેલ આ કંપની દાયકાઓથી પાલેજના લોકોના આરોગ્ય ચેડાં કરતી હોવા છતાં જી.આઇ.ડી.સી.ની કંપની વિરૂદ્ધ કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. દાયકાઓથી ફિલિપ્સ કાર્બન કંપનીનું પ્રદૂષણ પાલેજને ઘેરી વળે છે. પાલેજમાં ચોમાસાની ઉગાડમાં ગુરૂવારની રાતે લોકોના રહેઠાણ ઉપર કંપની દ્વારા છોડવામાં આવેલા કાળા રજકણો આવી પડતા શુક્રવારે સવારે ગૃહિણીઓ ભારે વિરોધ દર્શાવ્યો હતો, દર વર્ષે શિયાળાની શરૂઆતથી જ પાલેજ ઉપર કાર્બનના ઝેરી રજકણોના વાદળ ઘેરાવા માંડતાં હોઈ છે. જેથી સમય રહેતા આવી કંપનીઓ વિરૂદ્ધ કાયદાકીય છટક બારીઓરના ઉપયોગ વિના કડક પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે. ગુરૂવારે મોડી રાતે છોડવામાં આવેલા પ્રદૂષણ સંબંધને જમીયતે ઉલેમાના જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કંપની વિરૂદ્ધ પગલાં ભરવા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કંપની વિરૂદ્ધ એવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી જેને લઈ કંપનીના પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હોઈ. જ્યારે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોનેટરિંગ કરે છે ત્યારે સ્થાનિક લોકો હાજર રાખવાની માંગણી પાલેજનાં વીરેન્દ્ર સિંહ ગોહિલ, મિતેષ શાહ, રજની શાહે સંયુક્ત રીતે કરી છે, વીરેન્દ્ર સિંહે કંપની વિરૂદ્ધ સીધો આક્ષેપ પાલેજ હાઇવે સ્થિત આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ ઉઠાવી હતી. પાલેજ નગરના વેપારી ઇસ્માઇલખાન પઠાણે પણ કંપનીના પ્રદૂષણનો વિરોધ દર્શાવી પાલેજને દાયકા જૂની પ્રદૂષણની સમસ્યામાંથી મુક્તિ અપાવવા સરકારી તંત્રને વિનંતી કરી હતી. પાલેજ તાલુકા પંચાયત સદસ્ય મોહસીન ખાન પઠાણ દ્વારા કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને લઇ ગ્રામજનોમાં કેન્સર દર્દીઓમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યાનું જણાવી જો તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહીં આવે તો હવે કંપની વિરૂદ્ધ આંદોલન જ એક માત્ર ઉપાય હોવાની ચીમકી ઉચ્ચારી હતી.