National

ભાજપની આગેવાનીવાળી એનડીએ ૯૦ ટકા કમિશનની સરકાર : સિદ્ધરમૈયાનો પલટવાર

(એજન્સી) બેંગ્લુરૂ,તા.૨૩
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ગુરૂવારે ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારને ૯૦ ટકા કમિશનખોર ગણાવી હતી અને પોતાની રાજ્ય સરકારને ૧૦ ટકા કમિશનખોર કહેનારા વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યપાલ દ્વારા બંને ગૃહોને સંબોધતા આભાર પ્રસ્તાવમાં સામેલ થઇને મુખ્યમંત્રીએ રાજ્યની પહેલાની ભાજપ સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવી હતી. સિદ્ધરમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને તેના નેતાઓ તેમની સરકાર વિરૂદ્ધના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.તેમણે કહ્યુ કે, જે લોકો આરોપ મુકે છે કાયદા પ્રમાણે તેમણે સાબિત કરવા પડે છે. તેમણે ટોણો માર્યો કે ભાજપ હિટ એન્ડ રન કેસ જેવો મામલો છે, ભાજપના નેતાઓ મારી સરકાર સામેના ભ્રષ્ટાચારના આરોપોને સાબિત કરી શક્યા નથી. વિધાનસભામાં મુખ્યમંત્રીની આ ટિપ્પણીને પગલે ભાજપ અને કોંગ્રેસમાં ગજગ્રાહ જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા જગદીશ શેટ્ટારે આરોપ મુક્યો હતો કે, ભ્રષ્ટાચારમાં રાજ્યની સરકાર નંબર વન છે.