(એજન્સી)                                                        તા.૫

સરકારે ભારત સાથે જમ્મુ અને કાશ્મીરના જોડાણમાં શેખ અબ્દુલાના પ્રદાન અંગે લોકમત ખેરવવા તાબડતોબ પગલાં લીધાં છે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશે તા.૨૭-૧૨-૨૦૧૯ના સરકારી આદેશ નં.૨૫૧ દ્વારા ૨૦૨૦ના કેલેન્ડર વર્ષ માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં જાહેર રજાઓની યાદીમાંથી શેખ અબ્દુલ્લાના જન્મ દિનની (૫. ડિસે.) બાદબાકી કરી હતી.

કાશ્મીરના સિંહ ગણાતાં શેખ અબ્દુલ્લાએ ઓક્ટો. ૧૯૪૭માં પાકિસ્તાનને બદલે ભારતના પડખે રહીને કાશ્મીર ભારતમાં રહે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં અગ્રેસર હતાં. દિલ્હીમાં બીબીસીના પૂર્વ સંવાદદાતા અને જાણીતા પત્રકાર તેમજ કાશ્મીરના સમકાલીન ઇતિહાસ પર ઓથોરિટી ગણાતા એન્ડ્રુ વ્હાઇટ હેડે ‘ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ન્યૂ કાશ્મીર’ પરના પોતાના નિબંધના પ્રથમ ફકરામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે શેખ અબ્દુલ્લાએ શ્રીનગર પર પાકિસ્તાની ઉત્તરીય આદિવાસીઓના હુમલાને વળતો જવાબ આપવામાં ભારતીય દળોને સહાય કરી હતી અને શેખ અબ્દુલ્લાએ ભારત સાથે કાશ્મીરના તત્કાળ જોડાણને બહાલી આપી હતી. એ જ રીતે વિક્ટોરિયા સ્કોફિલ્ડે ‘કાશ્મીર ઇન કોન્ફ્લીક્ટ’ નામના પુસ્તકમાં જણાવ્યું હતું કે ભારત સાથે જમ્મુ અને કાશ્મીરના જોડાણમાં જો કોઇ નેતાએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે શેખ અબ્દુલ્લા હતા. જો કે શેખ અબ્દુલ્લાાએ ભારત સાથે કાશ્મીરને જોડ્યાં બાદ પોતાના રાજ્યના ભવિષ્ય અંગે આશંકા અને દહેશત વ્યક્ત કરી હતી.તેમ છતાં નહેરુમાં શ્રદ્ધા રાખીને શેખ અબ્દુલ્લાએ સરકાર સાથે સર્વાનુમતિ સાધીને જુલાઇ,૧૯૫૨માં દિલ્હી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્ર દ્વારા આ એવું પગલું હતું જેના કારણે જમ્મુ-કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો રહેશે એવી ત્યાંની પ્રજાને ખાતરી થઇ હતી. જો કે શેખ અબ્દુલ્લાએ દહેશત વ્યક્ત કરી હતી કે ભારત અનુચ્છેદ ૩૭૦ રદ કરશે અને ભાજપે ખરેખર અનુચ્છેદ ૩૭૦ રદ કરીને શેખ અબ્દુલ્લાને સાચા પુરવાર કર્યા છે. શેખ અબ્દુલ્લાને ડર હતો કે ભારતમાં લોકતંત્ર છે અને પ્રજા પરિષદ અને જનસંઘ સત્તા પર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યાર બાદ શેખ અબ્દુલ્લાએ એવી દલીલ કરી હતી કે બંધારણના અનુચ્છેદ ૩૭૦૦માં રાજ્યને જે વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે તે આવા સંજોગોમાં પાછો ખેંચી નહીં લેવાય તેની કોણ ખાતરી આપી શકે ?

(સૌ. :  નેશનલ હેરાલ્ડ)