ભૂજ, તા.ર૭
ભૂજના યુવકને યુવતી અને તેના બે અન્ય સાગરિત યુવાનોએ સાથે મળી હની ટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગવાના કિસ્સાએ ભૂજમાં ચકચાર મચાવ્યા બાદ મામલો પોલીસમાં નોંધાતા પોલીસે યુવતી અને બે યુવકોની ધરપકડ કરી છે.
ભૂજના સંસ્કારનગરમાં રહેતા નિલેશ હરીશંકર રાજગોરને છેલ્લા બે દિવસથી મોબાઈલ ફોન ઉપર અજાણ્યા શખ્સોએે ફોન કરી ધમકી આપી હતી કે, તમારા પુત્ર પ્રિન્સના એક યુવતી સાથેના અશ્લીલ ફોટો અને વીડિયો અમારી પાસે છે. રૂપિયા પાંચ લાખ આપો નહીંતર આ અશ્લીલ ફોટા-વીડિયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવશે.
જો કે, બાદમાં તા.ર૬/૧૧ના રોજ ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ એક યુવતી અને તેના સાથીદાર હેમંત રામભાઈ ચાવડા (રહે. દાત્રાણા, તા.ખંભાળિયા, જામનગર) અને નયન લક્ષ્મણ ગઢવી (રહે. કાઠડા, તા. માંડવી) નામના બંને યુવાનોની ધરપકડ કરી હતી. આ ટોળકી દ્વારા અન્ય યુવાનોને પણ શિકાર બનાવ્યા હોવાની સંભાવના સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.