National

મધ્યપ્રદેશના કેબિનેટ વિસ્તરણમાં સિંધિયા જૂથનો દબદબો, શિવરાજસિંહે પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખી મંત્રીઓને સામેલ કર્યા : ૧૦ મુદ્દા

(એજન્સી) તા.ર
ર૩ માર્ચે જ્યારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા ત્યારથી તેમના કેબિનેટનું વિસ્તરણ બાકી હતું. છેવટે ગુરૂવારે ભોપાલ સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે ર૦ કેબિનેટ મંત્રીઓ અને ૮ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ અપાવી હતી.આ પહેલા પાંચ કેબિનેટ મંત્રીઓએ ર૧ એપ્રિલના રોજ શપથ લીધા હતા. આમ મંત્રીમંડળના આ વિસ્તરણની સાથે શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધીને ૩૩ થઈ છે.

મંત્રીમંડળના વિસ્તરણ અંગે ૧૦ મુખ્ય મુદ્દાઓ :

(૧) ૧૧ મંત્રીઓ સાથે ગ્વાલિયર-ચંબલ વિસ્તારને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે. મધ્યપ્રદેશની જે ર૪ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાંથી ૧૬ બેઠકો આ વિસ્તારની છે.
(ર) મધ્યપ્રદેશના અન્ય વિસ્તારો જેમ કે મહાકોશાલ, માળવા, બઘેલખંડ અને બુંદેલખંડનું પ્રતિનિધિત્વ ઓછું છે.
(૩) ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના રર ધારાસભ્યોમાંથી ૧૪ને મંત્રીપદ આપવામાં આવ્યું છે. જેમાંથી ૧૦ને કેબિનેટ મંત્રી અને ૪ને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. શિવરાજસિંહ ચૌહાણનું લગભગ અડધું કેબિનેટ કોંગ્રેસના પૂર્વ સભ્યોનું બનેલું છે.
(૪) મંત્રીમંડળમાં સામેલ થનાર કુલ ૧૧ મંત્રીઓએ પૂર્વ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને સમર્થન આપ્યું હતું. આ ધારાસભ્યો કમલનાથ સરકારને છોડી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત સિંધિયા કેમ્પની બહારના ત્રણ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો બિસાહુલાલ સિંહ, ઔદલ સિંહ કન્સાના અને અને હરદીપ સિંહ ડાંગને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.
(પ) જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ સાથે આકરો સોદો કરવામાં સફળ થયા હતા.
(૬) સિંધિયા અને ગ્વાલિયર-ચંબલ વિસ્તારને વધુ પડતું પ્રતિનિધિત્વ આપવાની સાથે સાથે આ સરકારમાં જ્ઞાતિ-સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
(૭) ૩૩ સભ્યોના કેબિનેટમાં આઠ ઠાકુર, ત્રણ બ્રાહ્મણ, એક જૈન, એક કાયસ્થ, એક શીખ અને એક મરાઠા સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. આ કેબિનેટમાં ઠાકુરોનું પ્રતિનિધિત્વ ર૦ ટકાથી વધુ છે જ્યારે મધ્યપ્રદેશમાં તેમની કુલ વસ્તી ૪-પ ટકા જેટલી છે.
(૮) વાણિયા અને જૈન જેવા વ્યાપારી સમુદાયો લાંબા સમયથી ભાજપ અને જનસંઘના સમર્થક રહ્યા છે પરંતુ આ કેબિનેટમાં પૂર્વ મુખ્યમંત્રી વી.કે. સકલેચાના પુત્ર ઓમપ્રકાશ સકલેચા તેમના એકમાત્ર પ્રતિનિધિ છે.
(૯) આ કેબિનેટમાં આદિવાસી સમુદાયના માત્ર ચાર મંત્રીઓ છે જ્યારે મધ્યપ્રદેશમાં તેમની વસ્તી ર૧ ટકા છે.
(૧૦) સિંધિયા જૂથને સામેલ કરવા માટે શિવરાજસિંહ ચૌહાણની અગાઉની કેબિનેટમાં રહેલા અગ્રણી ચહેરાઓને પણ મૂકવામાં આવ્યા છે. કેબિનેટમાં સ્થાન ન મેળવી શકનારા અગ્રણીઓમાં રામપાલ સિંહ, રાજેન્દ્ર શુકલા, સુરેન્દ્ર પટવા, સંજય પાઠક, ગૌરીશંકર બિસેન અને પારસ જૈન સામેલ છે.