Ahmedabad

મહિલા સશક્તિકરણની વાતો કરતા પક્ષો મહિલાઓને ટિકિટ આપવામાં ઉદાસીન

અમદાવાદ,તા.૨૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આ વખતે મહિલાઓને પ્રાધાન્યતા આપવાની મોટી મોટી વાતો ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ બંને પક્ષોની અત્યારસુધી જાહેર થયેલી યાદીમાં મહિલા ઉમેદવારોની ભારોભાર ઉપેક્ષા થઇ હોવાની વાત સામે આવતાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના મહિલા સંગઠનમાં ભારોભાર નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. હવે બાકી રહેલી યાદીમાં મહિલાઓને પૂરતુ પ્રાધાન્યતા આપી યોગ્ય રીતે મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવણી થાય તેવી માંગ પણ બંને પક્ષોના મહિલા સંગઠનમાં ઉઠવા પામી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીલક્ષી જાહેરસભા કે કાર્યક્રમો દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ અને આગેવાનો દ્વારા અવારનવાર મહિલાઓની સુરક્ષા, મહિલા સશિકતકરણ અને મહિલાઓને પ્રાધાન્યતા સહિતના મુદ્દે મોટી મોટી વાતો અને જાહેરાતો કરાતી હતી પરંતુ જયારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોની યાદી જાહેર કરાઇ ત્યારે બંને પક્ષ દ્વારા મહિલા ઉમેદવારોની થયેલી ઉપેક્ષા જગજાહેર થઇ ગઇ. ભાજપે અત્યારસુધી તેની જાહેર કરેલી યાદીઓમાં માત્ર આઠ મહિલા ઉમેદવારોને સ્થાન આપ્યું છે, જયારે તેની સામે કોંગ્રેેસે તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર ત્રણ મહિલા ઉમેદવારોને સ્થાન આપ્યું છે. ભાજપે અત્યારસુધીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો અને બીજા તબક્કાની ૯૮ બેઠકો પૈકી ૪૬ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં માત્ર આઠ મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જયારે કોંગ્રેસેના તેના ૮૬ ઉમેદવારોમાં માત્ર ત્રણ જ મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી છે. આમ ભાજપની સરખામણીએ કોંગ્રેસ મહિલાઓને પ્રાધાન્યતા આપવામાં ઉણું ઉતર્યું છે. ભાજપે ભૂજ બેઠક પરથી નીમાબહેન આચાર્ય, ગાંધીધામમાં માલતીબહેન મહેશ્વરી, ગોંડલમાં ગીતાબા જાડેજા, ભાવનગર(પૂર્વ) વિભાવરીબહેન દવે, લિંબાયતમાં સંગીતાબહેન પાટીલ, ખેડબ્રહ્મામાં રમીલાબહેન બારા, આંકલાવમાં હંસકુંવરબા રાજ, વડોદરા સીટીમાં મનીષાબહેન વકીલને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે નવસારી બેઠક પરથી ભાવનાબહેન પટેલ, ભાવનગર પૂર્વમાં નીતાબહેન રાઠોડ સહિત ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.