Ahmedabad

મ્યુનિ. ફાયર અધિકારીઓનાં સંતાનો ડિવિ. ઓફિસર બનવા હવે સ્વિમિંગ કરશે

અમદાવાદ,તા.૮
અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડમાં ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની જગ્યા માટે તંત્ર દ્વારા ઉમેદવારોની ટ્રેડ ટેસ્ટ લેવાઇ રહી છે, જોકે આ ઉમેદવારોમાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓનાં સંતાન પણ દોડમાં ઊતર્યાં હોઇ હવે તેઓ સ્વિમિંગ કરવાના છે.
તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે, જે હેઠળ ગત તા.ર૬ ઓકટોબર, ર૦૧૮ના રોજ જાહેર ખબર આપીને ઓનલાઇન અરજી મંગાવાઇ હતી. આ ભરતી પ્રક્રિયામાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓનાં સંતાનોએ પણ અરજી કરી હતી.
નવ ઉમેદવારોનો ર૦૦ મીટર સ્વિમિંગનો ટેસ્ટ આગામી ગુરુવાર તા.૧૦ જાન્યુઆરીએ નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગાર ખાતે લેવાશે, જોકે આ ભરતી પ્રક્રિયા હેઠળ લેવાઇ રહેલા ટ્રેડ ટેસ્ટનો વિવાદ ઊઠ્યો છે.
જે ઉમેદવારોમાં ફાયર બ્રિગેડના ડિવિઝનલ ઓફિસર બનવાનો થનથનાટ છે તેમાં ફાયર બ્રિગેડ વિભાગના ઉચ્ચ અધિકારીઓનાં સંતાન પણ છે. અગાઉ ભરતી વખતે સત્તાધીશોએ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ અગમ્ય કારણસર લેખિત પરીક્ષા રદ કરીને પાંચ મિનિટમાં ૮૦૦ મીટરની દોડ અને છ મિનિટમાં ર૦૦ મીટર સ્વિમિંગનો ટેસ્ટ લેવાનું નક્કી કરાયું હતું. આ છેલ્લી ઘડીના ફેરફાર ઉચ્ચ અધિકારીઓના સંતાન માટે કરાયા હોવાનો આક્ષેપ ઊઠ્યા છે.