Ahmedabad

રમઝાન માસમાં કર્ફયુ મુક્તિ આપો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીશું

અમદાવાદ, તા.ર૧
આગામી રપ એપ્રિલથી મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. પવિત્ર રમઝાન માસમાં કર્ફયુને આગળ ન વધારવા તેમજ હાલ જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બપોરે ભર તડકામાં ૧થી ૪નો સમય રાખવામાં આવ્યો છે તે સવારનો કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ માગણી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં હાલ નાગરિકો સહકાર આપી રહ્યા છે અને જ્યાં કર્ફયુ છે ત્યાં ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. તેમજ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ પણ કરાવી રહ્યા છે. ગતરોજ પાઠવેલા પત્રમાં તેમણે ર૪ એપ્રિલથી પવિત્ર રમઝાન માસ શરૂ થતો હોવાથી જ્યાં કર્ફયુ છે તેવા વિસ્તારોમાં ર૧ તારીખથી આગળ ન વધારવા વિનંતી કરી હતી પરંતુ તે અગાઉ તો રાજ્યના ડીજીપીએ કર્ફયુનો અમલ ર૪ તારીખ સુધી લંબાવી દીધો હતો ત્યારે ગ્યાસુદ્દીન શેખએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તા.ર૪ કે રપ એપ્રિલથી રમઝાન માસની શરૂઆત થનાર હોવાથી રમઝાન માસમાં કર્ફયુને હટાવી દેવામાં આવે. નાગરિકો વતી હું ખાતરી આપું છું કે, રમઝાન માસમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીશું પરંતુ આકરો ઉનાળો અને રમઝાનમાં રોઝાની હાલતમાં ભર બપોરે બહાર નીકળવું મુશ્કેલ હોવાથી જીવનજરૂરી વસ્તુની ખરીદી કરવા બપોરે ૧થી ૪નો સમય છે તે બદલી સવારનો કરવામાં આવે તેવી વિનંતી કરી છે.