Ahmedabad

રાજકોટમાં પ્રચાર અર્થે નીકળેલા મુખ્યમંત્રીને ગંદકીના થર અને ઉભરાતી ગટર વચ્ચેથી પસાર થવું પડ્યું

અમદાવાદ,તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચાર અર્થે રાજકોટ આવ્યા હતા અને જ્યારે તેઓ પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે પ્રચાર અભિયાન આગળ વધારવા નીકળ્યા ત્યારે વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના થર અને ઉભરાતી ગટરો વચ્ચેથી પસાર થતા તેમને પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિ જોતાં ક્ષણિક તો તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. જ્યારે સ્થાનિકોએ પણ આ તકે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે પરિસ્થિતિને પામી જતાં મુખ્યમંત્રીએ સ્થાનિકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવાની ખાતરી આપી હતી જો કે આ તકે ભાજપના ‘સ્વચ્છતા અભિયાન’ પર કેટલાક લોકોએ ચર્ચાઓ શરૂ દીધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાના મતવિસ્તારની યાદ આવી હતી અને તેઓ વોર્ડ નંબર ૧ના રૈયાધાર વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જમીની હકીકતનો સામનો કરવો પડ્યો હતો. જો કે મુખ્યમંત્રીએ પાણીની લાઈનનું ચાલી રહેલું કામ જલદીથી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી બચાવ કર્યો હતો. આ વિસ્તારની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના કાફલાને ઠેર-ઠેર ગંદકીના થર અને કચરાના ઢગલામાંથી પસાર થવું પડ્યું હતું. ઉપરાંત રસ્તા પર ગટરના પાણી ઉભરાયા હતા. જેનો સામનો પણ મુખ્યમંત્રીએ કરવો પડ્યો હતો. હાઈફાઈ સ્ટેજ પર વિકાસની મોટી-મોટી વાતો કરતા મુખ્યમંત્રીની સામે જ્યારે હકીકત આવી ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. સ્થાનિક લોકોએ પણ આ તકે પોતાના વિધાનસભાના ધારાસભ્ય અચાનક પ્રગટ થતા રોષ ઠાલવ્યો હતો. જો કે ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ત્વરિત સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું અને મુખ્યમંત્રીએ સ્થાનિકોના તમામ પ્રશ્નો ત્વરિત ઉકેલવાની ખાતરી આપી હતી પરંતુ લોકોનો નિર્ણય ભાજપ માટે શું રહેશે તે તો આગામી ચૂંટણીના પરિણામો જ બતાવશે. જો કે મુખ્યમંત્રીના વિસ્તારમાં જ ગંદકીના થર જોવા મળતા ભાજપાના સ્વચ્છતા અભિયાનમાં આ શું છે ? જેવી લોક ચર્ચાઓ થવા પામી હતી. જ્યારે ‘વિકાસ’ની માત્ર મોટી-મોટી વાતો વચ્ચે ગટરના ઉભરાયેલા પાણીનો સામનો મુખ્યમંત્રીને પછી કરવો પડ્યો હતો.