(સંવાદદાતા દ્વારા) રાજપીપળા, તા.૨૪
વડોદરા જિલ્લાના ડભોઇની એક કોટન મિલનો સુપરવાઈઝર રાજપીપળાના કપાસના વેપારીને ૧૦ લાખ રૂપિયા રોકડા આપવા બાઈક પર નીકળ્યો હતો. દરમિયાન પાછળથી બે બાઈક સવારોએ એને ચાલુ બાઈકે પાડી દઈ ૧૦ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સુપરવાઈઝરે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મંડાળા ગામની માં શક્તિ કોટન મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા કિશોર તારાચંદ શર્મા શુક્રવારે બપોરે ડભોઈથી બાઈક પર વિમલના થેલામાં ૧૦ લાખ રૂપિયા રોકડા લઈ રાજપીપળાના એક કપાસના વેપારીને આપવા આવી રહ્યો હતો. દરમિયાન સાંજે લગભગ ૭-૪૦ વાગ્યે પોઇચા રાજપીપલા હાઇવે પર પહોંચતા જ પાછળથી બાઈક પર આવતા બે યુવાનોએ કિશોરની બાઈકને લાત મારી નીચે પાડી દીધો હતો. બાદ બંને લૂંટારાઓ એની પાસેથી ૧૦ લાખ લઈને નાસી હતા. આ મામલે કિશોર શર્માએ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બાઈક પર આવેલા અજાણ્યા લૂંટારાની શોધખોળ શરૂ કરી છે. તાપસ ટાઉન પીઆઈ ડી.બી. શુકલ કરી રહ્યા છે.