Gujarat

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : બે દિ’ સાર્વત્રિક

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૪
રાજયમાં ચાલુ વર્ષે ચોમાસામાં દુકાળ વચ્ચે ધીમે ધીમે પુનઃ વરસાદી માહોલ જામતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠયા છે. સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડયાના અહેવાલ છે. રાજકોટના ગોંડલમાં તો ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. જયારે રાજકોટમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જામનગરના કાલાવડમાં ર કલાકમાં ચાર ઈંચ ખાબકયો હતો. ઉપરાંત અમરેલી, કચ્છ, અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ પડયો હતો. રાજકોટ શહેર જિલ્લામાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં સાંજે ૭ વાગ્યા સુધી ચાર ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો જયારે ગોંડલમાં તો ધોધમાર વરસાદ તૂટી પડતા બપોરથી સાંજ સુધી ૬ કલાકમાં ૬ ઈંચ જયારે ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી, લોધીકામાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના લાઠી, અકાલા, લુવારિયા, એટાળિયા ગામોમાં ૧ કલાકમાં ધોધમાર વરસાદ તૂટી પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વડિયા શહેર તથા ગ્રામ્યના મોરવાડા, અરજણ સુખ, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જામનગર જિલ્લામાં પણ કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં ર કલાકમાં ચાર ઈંચ વરસાદ તૂટી પડતા ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. કચ્છ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ગાંધીધામ, ભચાઉ અને કંડલામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડયા હતા. ભચાઉના ગ્રામ્ય વિસ્તારોમાં તો ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગાંધીધામમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અમદાવાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં હળવાથી ધોધમાર વરસાદ પડયો હતો. દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રવિવારે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણ બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.