Ahmedabad

રાજ્યમાં કોરોનાનો વધતો કેર : અમદાવાદની યુવતીનું મોત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
વિશ્વને પગલે કોરોનાનો કહેર ગુજરાત રાજ્યમાં પણ પ્રસરી રહ્યો છે અને તેને લઈને સરકાર દ્વારા વિવિધ પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. જો કે, લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ હવે કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના કેસો બહાર આવી રહ્યા હોઈ સરકાર માટે ચિંતા વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસ પોઝિટિવના વધુ આઠ કેસો નોંધાતા કુલ પપ કેસ થવા પામ્યા છે. જેમાં અમદાવાદના આસ્ટોડિયાની એક ૪૬ વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુનો કુલ આંક ચાર થયો છે. આ સાથે મેટ્રોસિટી અમદાવાદ રાજ્યભરમાં સૌથી વધુ પોઝિટિવ કેસની સાથે મૃત્યુમાં પણ બે મોત સાથે આગળ રહ્યું છે. અમદાવાદમાં કુલ ૧૮ પોઝિટિવ કેસ થયા છે. જ્યારે આજે રાજ્યના બે નવા જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી લેતાં મહેસાણા અને ગીર-સોમનાથમાં ૧-૧ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં ક્વોરોન્ટાઈન હેઠળ રખાયેલા પૈકી ૧૩,૭૪ર લોકોનું ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. સૌપ્રથમ છ જિલ્લામાં દેખાયા બાદ તે પ્રસરતા હવે નવ જિલ્લા સુધી પ્રસર્યો છે. કોરોના પોઝિટિવના અમદાવાદમાં ૧૮, ગાંધીનગર અને વડોદરામાં ૯-૯ કેસ તથા રાજકોટમાં ૮, સુરતમાં ૭ તેમજ ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર-સોમનાથમાં ૧-૧ મળી કુલ પપ કેસ નોંધાવવા પામ્યા છે. રાજ્યમાં સૌપ્રથમ કોરોનાના લીધે સુરતમાં મરણ થયા બાદ અમદાવાદ, ભાવનગર અને આજે વધુ એક અમદાવાદમાં મરણ થતાં કુલ ચાર મૃત્યુ થવા પામેલ છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આસ્ટોડિયા વિસ્તારની ૪૬ વર્ષીય યુવતીનું આજે મૃત્યુ થયેલ છે. તેમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની બીમારી પણ હતી અને તેઓને તા.ર૬મીથી વેન્ટીલેટર પર રખાયેલ હતા.
રાજ્યમાં જે નવા આઠ પોઝિટિવ કેસો સામે આવ્યા છે, તેમાં ૬૬ વર્ષના એક વડોદરાના પુરૂષ છે, જે યુ.કેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જયારે ગાંધીનગરના ૮૧ વર્ષના એક પુરૂષ અને મહેસાણાના ૫૨ વર્ષના એક પુરૂષનો કેસ છે જે લોકલ ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. એજ રીતે અમદાવાદમાં ૭૦ વર્ષનાં એક પુરૂષનો કેસ છે જે આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં જ એક ૪૫ વર્ષના બહેન અને એક ૩૩ વર્ષના બહેનનો કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે નોંધાયો છે. તે પછી ગીર-સોમનાથનો રપ વર્ષીય યુવાન તેને પણ લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે અને ગીર-સોમનાથના પ્રથમ કેસ એવા ૬પ વર્ષીય વ્યક્તિ સઉદી અરેબિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે રાજ્યમાં કુલ પપ કેસ પોઝિટિવ થયા છે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે પપ કેસ છે તેે પૈકી ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓના ટેસ્ટિંગ પ્રોટોકોલ મુજબ બે વાર કરવામાં આવ્યા છે તેમાંના ત્રણ કેસના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જે સારા અને રાહતના સમાચાર છે. રાજયમાં હાલ કોરોના વાઇરસની સારવાર માટે પૂરતા પ્રમાણમાં દવા, સાધનો સહિતની સેવા ઉપલબ્ધ છે. દિલ્હીથી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્‌સ, માસ્કનો જથ્થો આજે દિલ્લીથી આવશે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ ઉમેર્યું કે,રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૪.૯૧ કરોડ વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સર્વેમાંથી ૬૯,૬૮૩ વ્યક્તિઓની પ્રવાસની વિગતો સામે આવી છે તે પૈકી ૧ર,૪૪૧ વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ અને પ૭,ર૪ર વ્યક્તિઓએ ઈન્ટર સ્ટેટ પ્રવાસ કર્યાનું જણાયું છે જેમાંથી વિદેશ પ્રવાસના ૧૭રને રોગના ચિહ્નો જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યભરમાં કુલ ૧૯,૩૪૦ વ્યક્તિઓને ૧૪ દિવસના ક્વોરોન્ટાઈન હેઠળ મૂકવામાં આવેલ છે જે પૈકી ૬પ૭ વ્યક્તિઓ સરકારી ફેસેલિટીમાં અને ૧૮,૪૯૭ને હોમ ક્વોરોન્ટાઈનમાં તથા ૧૮૬ને પ્રાઈવેટ ફેસેલિટીમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે. જ્યારે રાજ્યમાં ક્વોરોન્ટાઈન માટે ઈન્કાર કરનારા ર૩૬ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાંના ૧૩,૭૪ર લોકોનો ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થતાં તેમને ક્વોરોન્ટાઈનમાંથી મુક્ત કરાયા છે.