Ahmedabad

રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય ખેંચાખેંચ બાદ ભાજપ ત્રણ બેઠક પર વિજયી : કોંગ્રેસને એક બેઠક મળી

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે ગાંધીનગર વિધાનસભા ખાતે યોજાયેલ મતદાનવેળાએ મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરવા આવ્યા ત્યારે સેનેટાઈઝ વગેરેની વિધિ કરાઈ હતી. તો ભાજપના કેસરસિંહને મતદાન માટે એમ્બ્યુલન્સમાં લવાયા હતા. જયારે ભાજપના ત્રણેય ઉમેદવારો અનિલ ભારદ્વાજ, નરહરી અમીન અને રમીલા બારાએ સત્તાવાર જાહેરાત પહેલા જ પોતાની જીતના દાવા સાથે વિકટરી પોઝ આપી દીધા હતા. જયારે કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની ઉદાસીનતા તસવીરમાં છતી થાય છે.

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની આજે યોજાયેલી ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ રહી હતી. ધારાસભ્યોની ખેંચાખેંચ બાદ ક્રોસ વોટિંગ સહિતની નંબરગેમ માટે રાજકીય પક્ષો દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપ તરફથી ત્રણેય ઉમેદવારોને જીતાડવા અને કોંગ્રેસ તરફથી બન્ને ઉમેદવારોને જીતાડવા ભારે મથામણ કરવામાં આવી હતી. જો કે, આજે વિધાનસભાના કુલ ૧૭ર ધારાસભ્યો પૈકી ૧૭૦એ મતદાન કર્યું હતું અને બીટીપીના બે ધારાસભ્યો મતદાનનો બહિષ્કાર કરતાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો જેને પગલે કોંગ્રેસને એક બેઠક ગુમાવી હતી અને ભાજપને તેનો સીધો ફાયદો થતાં ત્રણેય બેઠક પર જીત મેળવી હતી. જોકે, કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યોના મતને લઈ વાંધો ઉઠાવતા કેન્દ્રીય ચૂંટણી પંચે લાંબી ચકાસણી બાદ તેને ફગાવી દીધો હતો અને ગુજરાતમાં મતગણતરી શરૂ કરવા લીલી ઝંડી આપી હતી. વિવિધ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની કુલ ૧૯ બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ચૂંટણી યોજી હતી જેમાં ગુજરાતની ચાર બેઠકો માટે આજે વિધાનસભા સચિવાલય ખાતે મતદાન યોજાયું હતું. કોરોનાની મહામારીને લઈ સંપૂર્ણ સેનેટાઈઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની જાહેર કરાયેલ ગાઈડલાઈનના અમલ સાથે મતદાન હાથ ધરાયું હતું જેમાં ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬પ તથા અપક્ષના એક અને એનસીપીના એક ધારાસભ્યે મતદાન કર્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે સાંજે મતદાન પૂરુ થયા બાદ મતગણતરી હાથ ધરાય તે પહેલાં કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના વૉટ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ તબક્કે ચૂંટણી પંચના સત્તાવાળાઓએ કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસે ઉઠાવેલ વાંધા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે પોતાનો રાત્રે નિર્ણય જાહેર કરતાં કોંગ્રેસના તમામ વાંધા ફગાવી દઈ મતગણતરી હાથ ધરવા લીલીઝંડી આપતા ગુજરાતમાં આખરે રાત્રે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. વિધાનસભા સચિવાલય ખાતે મતગણતરી હાથ ધરાતા મોડી રાત્રે સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ત્રણેય ઉમેદવારને વિજેતા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી જાહેર થયા હતા જ્યારે ભરતસિંહ સોલંકીની હાર થવા પામી હતી. પંચ દ્વારા જાહેર કરાયા મુજબ ભાજપના ભારદ્વાજ, રમીલા બારા અને શક્તિસિંહને ૩૬-૩૬ મત મળ્યા હતા. જ્યારે નરહરિ અમીનને ૩ર+ર મત ટ્રાન્સફરના તથા ભરતસિંહને ૩૦ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીત માટે ૩૪ મત જરૂરી હતા. મળેલા મત જોતાં ભાજપ એનસીપીનો એક મત મેળવવામાં સફળ રહી હતી અને તેને કારણે જ ત્રીજી બેઠક તેને મળી શકી છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની રસાકસીભરી રીતે યોજાયેલી ચૂંટણીમાં નંબરગેમમાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ નિકળતાં ભાજપના તમામ ૩ ઉમેદવારો નરહરિ અમિન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજ વિજેતા થયા હતા. આ ઉપરાંત નંબરગેમમાં ભાજપની સરળતા માટે કોંગ્રેસ ૮ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોંગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડી છે ભરતસિંહ સોલંકી હાર્યા છે અને કોંગ્રેસ જેમને રાજ્યસભામાં લઇ જવા માંગે છે તે શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા. પરિણામ પહેલાં જ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની હાર સ્વીકારી લીધી હતી અને તે માટે ભાજપ પર દોષારોપણ કર્યું હતું. ખાસ કરીને વસાવાને મતદાન નહીં કરવા દેવા ભાજપે દબાણ કર્યોનો સોલંકીએ દાવો કર્યો હતો. પાંચ વાગ્યે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાય તે સમયે જ કોંગ્રેસ દ્વારા ભાજપના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેસરીસિંહના મતને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહની મેટર સબજ્યુડિશિયલ હોવાનો અને કેસરીસિંહની તબિયત નાદૂરસ્ત હોવાને કારણે તેઓનો પ્રોક્સિ મત ન ગણવાનો કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠક માટે ભાજપના ૩ અને કોંગ્રેસના ૨ મળીને એમ કુલ પાંચ ઉમેદવારોની વચ્ચે ભારે રસાકસીભર્યા રાજકિય વાતાવરણની વચ્ચે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,. એક-એક વોટનું રાજકિય ગણતરીનું મહત્વ હોવાથી બન્ને પક્ષોએ પોતપોતાના ધારસભ્યોને ઘણા સાચવીને રાખ્યા હતા અને મતદાન માટે એક પછી એક સભ્યોને મોકલવામાં આવ્યાં હતા. ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા હતા તો કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. આજે મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓએ મતદાન કર્યું હતું. ભાજપ પાસે ૧૦૩ મતો એટલે કે ધારાસભ્યો હતા તો કોંગ્રેસ પાસે માત્ર ૬૫ સભ્યો હતા. કોંગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકોમાંથી એક બેઠક આંચકી લેવા ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતારતાં રાજકિય પરિમાણો બદલાયા હતા.. અને કોંગ્રેસમાં કુલ ૮ ધારાસભ્યોએ નંબરગેમની રમતમાં ભાજપની સરળતા માટે ચૂંટણી પહેલાં રાજીનામા આપતા ભારે રસાકસી સર્જાઇ હતી.ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સાથે દ્ગઝ્રઁ અને એક અપક્ષે પણ મતદાન કર્યું હતું.. એનસીપીના કાંધલ જાડેજાએ દાવો કર્યો કે તેમણે પક્ષના આદેશ પ્રમાણે કોંગ્રેસને વોટ આપ્યો છે. જો કે તેઓ મતદાન માટે ભાજપના એક મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે કારમાં બેસીને આવ્યાં હતા. કેસરીસિંહ મતદાન કરવા એમ્બ્યુલન્સ માં પહોંચ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)એ વોટ ન આપતા કૉંગ્રેસને રાજકિય નુકશાન થયું છે. મતદાનની ૨૦ મિનિટ બાકી હતી ત્યારે વસાવાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે અમારા પ્રશ્નો હલ ન થતા અમે નારાજ છીએ. આજે વોટ આપવા માટે ભાજપના કોરોનાગ્રસ્ત ધારાસભ્યો પણ વિધાનસભા આવ્યા હતા. પરસોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણે પ્રોક્સીની મદદથી વોટ આપ્યો હતો.

NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાનું ચોંકાવનારું નિવેદન : પાર્ટીના આદેશ મુજબ વોટિંગ કર્યું

અમદાવાદ, તા.૧૯
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણમાં ૫ ઉમેદવાર મેદાને છે, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી છે. આજે એનસીપીના અને ગુજરાતમાં એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને લઈને રાજકારણ થોડું ગરમાયું છે. આજે જ્યારે તેઓ મતદાન માટે આવ્યા ત્યારે તેઓએ વોટિંગ કર્યા બાદ તેમનું ચોંકાવનારું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી અગાઉ કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એનસીપી પાર્ટી તરફથી કાંધલને કોંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું હતું. મતદાન ક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ બહાર આવીને નિવેદન આપ્યું હતું કે, મેં પાર્ટીના આદેશ મુજબ મતદાન કર્યું છે. ૨૦૧૭માં પણ પાર્ટીના અધ્યક્ષના આદેશ પ્રમાણે મતદાન કર્યું હતું. હાલ મેં મત કોને આપ્યો છે તે હું ન કહી શકું. કારણ કે તેનાથી ગુપ્તતા જળવાતી નથી. પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે મેં મતદાન કર્યું છે. જો કે, મીડિયા સામે પાર્ટીના આદેશ મુજબ વોટિંગ કર્યું હોવાની વાતો કરનારા ધારાસભ્ય કાંધલ જાડેજા મતદાન કરવા ભાજપના જ એક મંત્રી સાથે આવ્યા હતા અને તેમની સાથે જ પરત ગયા હતા. એટલે તેમને કોને મત આપ્યો તે તો પરિણામ બાદ ખબર પડશે.

આદિવાસીઓના પ્રશ્ને આંદોલન કરીશું; ગોળી મારવી હોય તો મારે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૯
બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવાએ મતદાન શરૂ થયું ત્યારે જ આપેલી ચીમકી મુજબ રાજ્ય સભાની ચૂંટણી માટે તેઓએ વોટિંગ નથી કર્યું. બંને ધારાસભ્યોએ વોટિંગ ન કરતા તેનો સીધો ફાયદો ભાજપને થયો છે. જે પ્રમાણે ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થાય તે નક્કી છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભરતસિંહની હાર નક્કી છે. બીટીપીએ મતદાન ન કરવાની જાહેરાત કરીને પોતે આંદોલન કરવા માટે ઘરે જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે બંને પાર્ટીઓએ ફક્ત વચનો આપ્યા છે, કામ નથી કર્યું. મતદાન નહીં કરવાની જાહેરાત બાદ છોટુ વસાવાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યુ હતું કે, “અમારી માંગણી સંતોષાઈ નથી અને એ લોકો સંતોષી શકે તેમ પણ નથી. અમે કહ્યું હતું કે તમારું જ્યાં જ્યાં શાસન છે ત્યાં શિડ્યૂલ ૫ લાગૂ કરો. એ લોકો નથી કરી રહ્યા એટલે અમે મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અમને જરા પણ એવું નથી લાગતું કે આ લોકો અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ માટે જ મત નથી આપતા. ભાજપા કહે છે કે અમે બીટીપી સાથે છીએ પરંતુ જો સાથે હોય તો અમારું કામ કેમ નથી કરતા? ભાજપ અને કૉંગ્રેસ અમારા લોકોનો બળદ તરીકે ઉપયોગ કરે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “ચૂંટણી હોય એટલે બધા લોકો સંપર્ક કરે છે. અમે હવે ઘરે જઈને આંદોલન કરીશું. આ લોકો એવું કહેવા માંગે છે કે આદિવાસીઓ આ દેશના જ નથી, અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે અહીંના જ છીએ. સરકારે ગોળી મારવી હોય તો મારી દે. અમને હટાવવાનો પ્રયાસ કરશે તો અમે નહીં હટીએ.

બે ધારાસભ્યોએ કરાવી દોડધામ આખરે પ્રોક્સી વોટનો કન્સેપ્ટ !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૯
રાજ્યસભાની ચૂંટણી પૂર્વની રાત ભાજપના ધારાસભ્યોએ તેમના હાઈકમાન્ડને પરસેવો પડાવી દીધો છે. કોંગ્રેસને છોડીને આવેલાને મળતા પદ અને પ્રતિષ્ઠાને લઈ ભાજપમાં વર્ષો સુધી કરેલી મહેનત પર પાણી ફેરવી દેતા હોવાનો ઉકળાટ ગાંધીનગરમાં એમએલએ કવાર્ટરમાં ઠાલવાયો હતો અને ગઈકાલે આખીરાત ભાજપના આગેવાનો ધારાસભ્યોને સમજાવવા માટે પરસેવો પાડ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. રાજકોટ (દક્ષિણ)ના ભાજપના સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલ રિસાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સામાન્ય રીતે પાર્ટી લાઈનમાં રહેતા અને લોપ્રોફાઈલ એવા ગોવિંદ પટેલ રિસાતા ભાજપમાં દોડધામ મચી જવા પામી હતી અને મોડી રાત સુધી તેને મનાવવાના પ્રયાસો ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કરવામાં આવ્યા હતા. અત્યતં શાંત પ્રવૃતિ ધરાવતા ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ એમએલએના પદ અને ગરીમાને લઈ હાઈકમાન્ડ સમક્ષ બળાપો ઠાલવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ મામલે ગોવિંદનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન રાતથી જ સ્વીચ ઓફ આવી રહ્યો છે. આ બધા વચ્ચે દેવુસિંહ ચૌહાણના અંગત અને હાલ માતરના ધારાસભ્ય કેસરસિંહ ચૌહાણ ગઈકાલે મોડીરાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા. નાદુરસ્ત તબિયતના કારણને આગળ ધરીને ત્રણ ધારાસભ્યોએ સહાયક મતની માગણી કરી હતી. જેમાં ગાંધીનગરના શંભુજી ઠાકોર, માતરના કેસરીસિંહ ચૌહાણ અને ભાવનગરના પરસોત્તમ સોલંકી સહાયક સાથે મતદાન કર્યું હતું. ભાજપના ધારાસભ્યોના પહેરા માટે એમએલએ ક્વાર્ટર્સ ખાતે પોલીસ પહેરો મૂકવામાં આવ્યો હતો અને દરેક આવન-જાવન પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.