Ahmedabad

રાજ્ય સરકારના કોઈપણ કર્મીનું કોવિડ-૧૯ની અસરથી અવસાન થાય તો રૂા.રપ લાખની સહાય

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
ગુજરાત સરકારે હાલ રાજ્યમાં વકરી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના જે કર્મચારીઓ જોખમ વ્હોરી ફરજ બજાવી રહ્યા છે. તેમનું ફરજ દરમિયાન કોવિડ-૧૯ની અસરથી અવસાન થાય તો તેમના પરિવારને રૂા.રપ લાખની સહાયની જાહેરાત કરી છે. આમાં રાજ્ય સરકારના કોઈપણ કર્મચારીઓ ઉપરાંત રાજ્ય સરકારની સેવાના કરાર આધારિત, ફિક્સ પગારના કર્મીઓ વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે મુખ્યમંત્રીએ આ અગાઉ રાજ્યના પોલીસકર્મીઓ માટે અને ત્યારબાદ નગરપાલિકા મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ, રેવન્યુ મહેસૂલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમિયાન કોવિડ-૧૯થી મૃત્યુના કિસ્સામાં આવી રપ લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે. હવે, તેમણે રાજ્ય સરકારની સેવાના કરાર આધારિત, ફિક્સ પગારના કર્મીઓ સહિત કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ કામગીરી દરમિયાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ રપ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. અશ્વિનીકુમારે ખેડૂતો સંદર્ભે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં ચાલુ નાણાકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારોને ર૦૦૦ની સહાય પેટે કુલ રૂા.૮૦૦ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં ૬૦૦૦ રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે. અશ્વિનીકુમારે કહ્યું કે વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નિરાધાર, વૃદ્ધ, નિઃસહાય, એકલવાયુ જીવન જીવતા અને જરૂરતમંદ વ્યક્તિઓને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે સેવાભાવિ સંગઠનો અને સ્થાનિક સત્તાતંત્રએ મળીને અત્યાર સુધીમાં પ૭ લાખ પ૪ હજાર ફૂડ પેકેટ્‌સ વિતરણ કર્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં જરૂરતમંદ નાગરિકોને મદદ-સહાય માટે શરૂ કરવામાં આવેલી સ્ટેટ હેલ્પલાઈન-૧૦૭૦માં અત્યાર સુધીમાં ૪૬૦૯ અને જિલ્લા હેલ્પલાઈન ૧૦૭૭મા ર૦૭૯૦ કોલ્સ તબીબી સહાય, દૂધ વગેરે જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધી, સફાઈ અને અન્ય જરૂરી સેવાઓ માટેના મળ્યા છે અને સંબંધિત તંત્રવાહકોએ તેની યોગ્ય કાર્યવાહી હાથ પણ ધરી છે.