Ahmedabad

વાડજના પીઆઈએ માર માર્યો હોવાની ઓડિયો ક્લિપના આધારે બદલી કરાઈ

અમદાવાદ, તા.૬
વાડજમાં એક સ્વામીની ગાડી રોકવા મામલે વાડજના પીઆઈની બદલી થવાનો મામલો ચર્ચાની ચકડોળે ચડ્યો છે ત્યારે સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપમાં પીઆઈએ ગેરવર્તણૂંક કરી માર માર્યો હોવાનું જાણવા મળતા પીઆઈની બદલી કરાઈ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.
શહેરના વાડજ પોલીસ સ્ટેશનના PI જે.એ.રાઠવાની બદલી મામલે નવો વળાંક આવ્યો છે. ૨૯મી જૂનના રોજ રાતે વાડજ પોલીસે કલોલના એક સ્વામીની ગાડી રોકી હતી, જેમાં ચારેક લોકો બેઠા હતા. પોલીસ કાર્યવાહી કરવા ગાડીમાં બેઠેલા શખ્સને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં PI રાઠવાએ તેમને દંડ લઇ છોડી મુક્યા હતા. જો કે આ ઘટના બાદ પોલીસને એક ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં PI રાઠવા પર માર મારવાનો અને અપશબ્દો બોલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી આ મામલે વાડજ PIની બદલી કરી દેવામાં આવી છે. આ ક્લિપ બાબતે ACPને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે DCP ઝોન-૧ પ્રવીણ મલે મીડિયાને જણાવ્યું હતું કે આ ઓડિયો ક્લિપમાં માર મારવાનો અવાજ સંભાળય છે અને પ્રાથમિક દ્રષ્ટીએ ગેરબંધારણીય હોય એવા શબ્દો પણ સાંભળવા મળે છે. ક્લિપમાં માર મારવા અને વાડજ PIનો જ અવાજ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રાત્રી કર્ફ્યૂમાં નીકળેલી કલોલના સ્વામિનારાયણ મંદિરના સ્વામીની કાર પકડવા બદલ વાડજના PIની ગણતરીના કલાકોમાં જ બદલી કરી દેવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી હતી. પોલીસે ગાડી પકડી ત્યારે તેમાં ચાર જેટલા લોકો હતા. ત્યાર બાદ ગાડીને જવા દેવા એક ધારાસભ્ય, મંત્રીએ PIને ભલામણ કરી હતી, પણ PI ટસના મસ ન થતા આખરે ઉપરી અધિકારીઓની સૂચનાથી PIએ ગાડી જવા દીધી હતી. જોકે ધારાસભ્ય, મંત્રીની અવગણના કરવાનું PIને ભારે પડી ગયું હતું. ત્યાર બાદમાં વાડજ PI રાઠવાની તાત્કાલિક બદલી કરી તેમને સ્પેશિયલ બ્રાંચમાં મૂકી દેવામાં આવ્યા હતા.