Ahmedabad

સરપ્લસ વીજળીની વાતો વચ્ચે ખેતી-રહેણાંકના વીજ કનેકશનની દોઢ લાખ અરજી પડતર

ગાંધીનગર, તા.ર૮
રાજ્યમાં ખેડૂતોને વીજળી આપવાના રાજ્ય સરકારના દાવાઓ સામે હકીકત કંઈજ જુદી જ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભામાં ખુદ સરકારે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં કૃષિ વિષયક વીજ કનેકશન મેળવવા કરાયેલી દોઢ લાખની અરજીઓ પૈકી માત્ર ૧૯ હજાર જેટલી અરજીઓ જ મંજૂર થઈ છે. તેવી જ રીતે રહેણાંક વિસ્તાર માટે વીજ કનેકશન માટે કરાયેલી અરજીઓ પૈકી ર૪ હજાર જેટલી અરજી પડતર છે.
ઉપરાંત ૪૩ હજાર જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. એટલે કુલ દોઢ લાખ જેટલી અરજીઓ પડતર છે. એટલે કે સરપ્લસ વીજળીના દાવા કરીને અન્ય રાજ્યોમાં વીજળી વેચતી સરકાર ગુજરાતમાં વીજળીની માંગ કરતાં ખેડૂતો અને પ્રજાને વીજળી પૂરી પાડે તેવી માંગ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમ્યાન ધારાસભ્યોએ પૂછેલા જુદા-જુદા પ્રશ્નોમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કૃષિ વિષયક વીજ જોડાણ અને જ્યોતિગ્રામ યોજના હેઠળ કેટલા વીજ કનેકશન અપાયા સહિતના વિવિધ પ્રશ્નો પૂછાયા હતા. તેના જવાબમાં સરકારે જણાવ્યુંં હતું કે, છેલ્લા બે વર્ષમાં કૃષિ વિષયક વીજ કનેકશન મેળવવા માટે ૧,પ૩,૮૮૩ અરજીઓ આવી હતી. તેમાંથી ૧૮૯૮૯ જ વીજ કનેકશન અપાયા હતા. તો ૧,ર૭,૬૧૩ અરજીઓ પડતર છે. જ્યારે ૭ર૧૦ અરજીઓ રદ કરાઈ હતી. કૃષિ વીજ કનેકશન માટે કરાયેલી અરજીઓમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪પપપ અને રાજકોટમાં ૧ર૩૬૮ અરજીઓ થઈ હતી.
કૃષિ વીજ કનેકશનની જેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં તમામ ગામોમાં રહેણાંક હેતુ માટે જ્યોતિગ્રામ યોજના હેઠળ કેટલા વીજળી કનેકશન અપાયા તેના પ્રશ્નને જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં પ,૩૪,૪૩૩ અરજીઓ વીજ કનેકશન માટે આવી હતી. તેમાંથી ૪,૬પ,૯૮૦ અરજીઓ મંજૂર કરાઈ હતી. ર૪૭૯૭ જેટલી અરજીઓ પડતર રખાઈ છે. જ્યારે ૪૩૬પ૬ જેટલી અરજીઓ તો નામંજૂર કરાઈ છે. એટલે કે વીજળી સરપ્લસની વાતો કરતી ગુજરાત સરકારના શાસનમાં બે વર્ષથી રહેણાંક અને કૃષિમાં વીજ કનેકશન માટે કરાયેલી અરજીઓમાંથી ૧,પર,૪૧૦ અરજીઓ પડતર છે. ત્યારે અન્ય રાજ્યોમાં વીજળી વેચવાને બદલે ખેડૂતો અને ગામડાઓમાં રહેણાંક માટે વીજ કનેકશન તાત્કાલિક આપવા અને રદ કરાયેલી અરજીઓમાં પણ ખૂટતા પુરાવા મંગાવીને તેમને પણ વીજ કનેકશન આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.