(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક ઓડિયો કલીપ જારી કરવામા આવી છે આ કલીપમાં અમિત શાહ દ્વારા સવારે ૧૦ પહેલા મતદાન કરવા અને ૧૦ લોકોને મતદાન કરવાનો અનુરોધ કર્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની બે તબકકામાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટેના પહેલા તબકકાનુ મતદાન આવતીકાલે સવારથી આરંભ થઈ જશે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અવાજ સાથેની એક ઓડિયો કલીપ વાઈરલ થતાં પ્રશ્નો ઊભા થયા છે. આ કલીપમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સવારે ૧૦ પહેલા અને બીજા ૧૦ લોકોને ભાજપની તરફેણમાં મતદાન કરવા અંગેનો અનુરોધ કર્યો છે.આ ઓડિયો કલીપની સાથે સાથે ભાજપના અસંખ્ય કાર્યકરો અને નેતાઓ પણ લોકોના ઘેરઘેર જઈને લોકોને આ વાત સમજાવી રહ્યા છે.આ ઓડિયો કલીપમાં અમિત શાહ કહી રહ્યા છે કે,હું ભાજપ અધ્યક્ષ અમિત શાહ બોલી રહ્યો છું,હું જાણું છુ કે તમે પહેલેથી જ ચૂંટણીના કામમાં વ્યસ્ત છો.પરંતુ ભાજપની જીતને સુનિશ્ચિત કરવા આ સમય ખુબ જ મહત્વનો છે.તમારે એક વાતની કાળજી રાખવાની છે,મતદાનના દિવસે સવારે ૧૦ પહેલા મતદાન કરો અને ઓછામાં ઓછા ૧૦ લોકોને મતદાન કરવા મતદાનમથક સુધી ભાજપની તરફેણમાં મત આપવા લઈ જાવ. આ ઓડિયો કલીપ અંગે પ્રદેશ ભાજપના પ્રવકતાએ કહ્યું છે કે,આ અપીલ વધુમાં વધુ મતદાન થાય એ હેતુથી કરવામાં આવી છે.