National

સ્કૂલ બસ પર હુમલો કરનારા કરણી સેનાના આતંકીઓ નહીં પરંતુ મુસ્લિમો હતા, તેવા મધુ કિશ્વરના જુઠ્ઠાણાનો ગુરૂગ્રામ પોલીસે કર્યો પર્દાફાશ

(એજન્સી) ગુરૂગ્રામ, તા.ર૭
નરેન્દ્ર મોદીના ચાહક મધુ કિશ્વરે સંવેદનાત્મક રીતે દાવો કર્યો હતો કે જે સ્કૂલ બસમાં બાળકોને લઈ જવામાં આવી રહ્યા હતા તેના પર હુમલો કરનારાઓમાં પ નામ મુસ્લિમોના છે. તેમના દ્વારા ફેલાવવામાં આવેલી આ વાતનો શુક્રવારે હરિયાણાની ગુરૂગ્રામ પોલીસે ખુલાસો કર્યો છે. કિશ્વર પર ઘણીવાર કોમી તણાવ ફેલાવવાનો આરોપ મૂકાયો છે. તેણીએ ટ્‌વીટ કરી હતી કે ભણસાલીની ફિલ્મના વિરોધમાં કરણી સેનાના નામે સ્કૂલ બસ પર પથ્થરમારો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ પાંચ લોકોના નામ છે. સદ્દામ, આમિર, ફિરોઝ, નદીમ, અશરફ જો આ હકીકત છે તો તે ઘણું બધું કહે છે, હવે બીજું કંઈ કહેવાની જરૂર નથી. જો કે ગુરૂગ્રામ પોલીસે શુક્રવારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ગુરૂગ્રામમાં હરિયાણા રોડવેઝની બસ અને એક સ્કૂલ બસ પર હુમલાના કેસમાં કોઈ મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી નથી. તેમની આ ટ્‌વીટના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેણીના આ બ્લુટિક વેરિફાઈડ સ્ટેટસને દૂર કરવાની માગણી કરી હતી. સોશિયલ મીડિયા પર બરખા દત્તે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, આ પ્રકારની ટ્‌વીટને કારણે મધુ કિશ્વર જેવા લોકો શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા હશે. પવન ખેરાએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, જો તેણીની આ ટ્‌વીટ ડિલિટ કરી દે તો પણ તેમણે જે અફવાઓ ફેલાવી છે તે તો બદલાઈ શકશે નહીં. આવી અફવાઓ ફેલાવનારાઓ સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ.
હિન્દુત્વ આતંકીઓનો આ સમૂહ રાજપૂત કરણી સેનાનો હતો કે જેણે બુધવારે ગુરૂગ્રામની એક સ્કૂલ બસ પર હુમલો કર્યો અને એક સરકારી બસને આગ ચાંપી. ભયભીય થઈને બસની સીટો પાસે નીચા નમીને બેઠેલા બાળકોનો વીડિયો વાયરલ થયો હતો. આ બસ પર હુમલો કરનારા આતંકીઓ પદ્માવત ફિલ્મના રિલીઝ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા.
પદ્માવત સ્કૂલ બસ હુમલો : ગુરૂગ્રામ પોલીસે સોશિયલ મીડિયાની અફવાઓને
ખુલ્લી પાડતાં કહ્યું; કોઈ મુસ્લિમ યુવકની અટકાયત કરાઈ નથી


ગુરૂગ્રામ પોલીસે શુક્રવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે હરિયાણા રોડવેઝની બસ અને સ્કૂલ બસ પર હુમલાના કેસમાં કોઈ મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસે જીડી ગોએંકા સ્કૂલ બસમાં સવાર ૩૦ વિદ્યાર્થીઓ અને ૩ શિક્ષકો પર હુમલો કરવા બદલ અને હરિયાણા રોડવેઝ બસને આગ ચાંપવા બદલ ૭ કિશોરો સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે. હરિયાણાની સ્થાનિક અદાલતે ૧૧ લોકોને ૧૪ દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે, કે જેઓએ પદ્માવત ફિલ્મના રિલીઝ મુદ્દે સ્કૂલ બસ પર હુમલો કર્યો હતો અને સરકારી બસને આગ ચાંપી હતી. આ પ્રદર્શનકારીઓમાં જે ૭ કિશોરો હતા તેમને જુવેનાઈલ કોર્ટમાં મોકલવામાં આવશે.
હરિયાણાના ડી.જી.પી. બી.એસ. સાધુએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે જે થિયેટરના માલિકો ફિલ્મને રિલીઝ કરવાના હતા. તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવેલ છે. તેમણે જણાવ્યું કે ગુરૂગ્રામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. જો કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતું જણાશે તો તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.