Gujarat

સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબોને રોજ ર૦ હજાર ફૂડ પેકેટનું કરાતું વિતરણ

(સંવાદદાતા દ્વારા)સુરત,તા.૬
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે સુરતમાં સેવાની સરવાણી સતત વહી રહી છે. સુરતમાં મેમણ સમાજના માત્ર ચાર શ્રેષ્ઠીઓએ મળીને આખા સુરતને સાચવવાનું બીડું ઝડપ્યું હોય એમ દરરોજ ૨૦ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને સુરતના જરૂરિયાતમંદ સુધી પહોંચાડી રહ્યાં છે.
સુરતના અડાજણ ગોરાટ વિસ્તારમાં આવેલા ઝમઝમ પાર્ક પર સતત રસોઈ બનાવવાનું કામ જારી છે. ઉચ્ચ મધ્યમવર્ગીય લોકો પોતાના સંતાનો માટે જેટલું રસોડું નથી કરી શકતા એના કરતાં વધુ પ્રમાણમાં અહીં દરરોજ ૧૦૦થી વધુ ડેગમાં રસોઈ તૈયાર થાય છે અને જરૂરિયાતમંદ સુધી પહોંચે છે. મેમણ સમાજના ચાર શ્રેષ્ઠી જેવા કે અફરોઝ ફત્તા, ઈલ્યાસભાઈ, તુફૈલ નુરાની અને યકીન ભેંસાણિયાએ રસોડાની જવાબદારી સંભાળી લીધી છે. સુરતના છેવાડાના વિસ્તાર જેમકે, કોસાડ આવાસ, ભેસ્તાન, સચીન, ભટાર રોડ પર આઝાદ નગર, રસુલાબાદ, ઓલપાડ, લિંબાયત સહિત શહેરના દરેક ઠેકાણે ફૂડ પેકેટ્‌સ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહેલા દાતાઓને કારણે વહીવટી તંત્રને પણ ઘણે અંશે રાહત મળી રહી છે. અચાનક આવી પડેલી સ્થિતિમાં વહીવટી તંત્ર પણ દરેક ઘર સુધી પહોંચી શકે એવી સંભાવના ઓછી હોવાથી દાનવીરોએ અંગત રીતે રસોડા શરૂ કરીને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે. હલીમા આદમજી મેડિકલ એન્ડ એજેયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ ચાલી રહેલા સેવાકાર્યમાં ધોરાજી મેમણ સમાજ તેમજ સુરતી હલાઈ મેમણના અગ્રણી અને યુવાઓનો સિંહફાળો રહ્યો છે.આ સિવાય ગોપીપુરા સ્થિત હકીમ મુલેરી મસ્જિદ નજીક આસીફ બાબુદ્દીન શેખ અને તેમની ટીમ દૈનિક ૩૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને કોઈપણ પ્રકારના ન્યાત જાતના ભેદભાવ વિના જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડી રહી છે. સાગર હોટલ નજીક ટોપીવાલા મસ્જિદ ટ્રસ્ટના બેનર હેઠળ અલાઉદ્દીન પટેલ, રફીક સરબતવાલા, દાઉદ કુરેશી, નુરમોહંમદ રંગરેજ, મકસુદ કુરેશી ઉર્ફે અદા, મોહમ્મદભાઈની ટીમ પણ દરરોજ ૩૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને મુસ્લિમ તેમજ દલિત અને મરાઠી ભાઈઓ સુધી સેવા પહોંચાડી રહ્યાં છે.
સગરામપુરા તલાવડીમાં શાહનવાઝ ગોમટાવાલા અને તેમની ટીમના સભ્યો પણ ૪૦૦ જેટલા ફુટ પેકેટ તૈયાર કરીને વિવિધ વિસ્તારમાં પહોંચાડી રહ્યાં છે. સગરામપુરા મૌલવી સ્ટ્રીટમાં પણ આ જ રીતે સેવાનું ભગીરથ કાર્ય જારી છે. ચોકબજાર ચાર રસ્તા નજીક દેવલશા પીર દરગાહ ટ્રસ્ટના શબ્બીર ચાહવાલા, મોહમ્મદખાન, ઈમરાન મલબારી, ઈમરાન પઠાન, યુસુફ કુરેશી, હનીફ કચ્છી સહિતના સભ્યો પણ કિલ્લાના મેદાનમાં રહેતા ગરીબ અને અનાથ લોકોના પેટનો ખાડો પુરવા સતત કાર્યરત છે. કિલ્લાના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખીને ગરીબોને પણ એક મીટર દૂર રાખીને કોરોના વાયરસથી બચવા માટેની તમામ તકેદારી રાખવા ગરીબોને સમજાવવામાં આવે છે. આ ગ્રુપના સભ્યોએ ગરીબોને ન્હાવા માટે સાબુ અને શેમ્પુની વ્યવસ્થા પણ ગોઠવી હતી. જેની પાલિકા અને કલેક્ટર કચેરીએ પણ વિશેષ નોંધ લીધી છે.
સૌરાષ્ટ્ર હલાઈ મેમણ જમાત દ્વારા પણ અત્યાર સુધી ૩૦૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સમાજના સભ્યોને ૧૫૦૦ રૂા. સહાય કરવામાં આવી છે. આ સિવાય અત્યાર સુધી જમાતે અનેક રિક્ષા ગરીબોને અપાવી છે. જેના આ મહિનાના હપ્તા માફ કરવામાં આવ્યા છે. એક રિક્ષા દીઠ ૪૫૦૦ રૂા. માફ કરવામાં આવ્યા હોવાની જમાતના પ્રમુખ બિલાલ ટીનવાલા અને અમીન સાયાએ જણાવ્યું છે. રમઝાન મહિનામાં પણ કિટ વિતરણ માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એમ જમાતના જવાબદારોએ જણાવ્યું છે. આ કાર્ય માટે જમાતના ૨૦૦ જેટલા યુવાઓ સક્રિય રહીને સેવાને અંજામ આપી રહ્યાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.