National

હવે આંધ્રપ્રદેશમાં “અમદાવાદવાળી” : કોરોના હોસ્પિટલમાં આગથી ૧૧ દર્દીઓ ભડથું

મૃત્યુઆંક વધવાની દહેશત : ૨૦ને ઈજા : ત્રણની હાલત ગંભીર : મૃતકોના પરિવાર માટે રૂા.૫૦ લાખની સહાય જાહેર કરાઈ  : સીએમ રેડ્ડીનો તપાસનો આદેશ

આંધ્રમાં કલમ ૩૦૪ અને ૩૦૮ હેઠળ FIR નોંધાઈ જ્યારે શ્રેય હોસ્પિટલની ગોઝારી ઘટના અંગે માત્ર એડી દાખલ કરવામાં આવી

ફાયર સેફટીનો ગંભીર બનતો જતો મુદ્દો  સરકારની બેકાળજીની કિંમત દર્દીઓ અને તેમના સગાને ચૂકવવી પડે છે : અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો જાગી નથી તેનો પૂરાવો આંધ્રમાં જોવા મળ્યો

(એજન્સી)               વિજયવાડા, તા.૯

દેશમાં હજુ કોરોનાની ઘાત ટળી નથી ત્યાં સરકારે આ રોગના દર્દીઓને જાણે નધણિયાતા મૂકી દીધા હોય તેમ હવે આ ચેપની સારવાર કરતી હોસ્પિટલમાં એક પછી એક આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ગુજરાતના અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ હવે આંધ્રપ્રદેશના વિજયવાડામાં તંત્રની બેદરકારીના કારણે કોરોના સારવાર કેન્દ્રમાં આગ લાગતાં કોરોનાને હરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને મોત મળ્યું હતું. ભીષણ આગમાં ૧૧ દર્દીઓ ભડથું થઈ ગયા હતા. આ ગોજારી ઘટનામાં ૨૦ જેટલા લોકો દાઝી ગયા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સરકારે મૃતકોના પરિવારજનો માટે રૂા.૫૦ લાખની સહાયની જાહેરાત કરી હતી. ઈમારતના ભોંયતળિયા અને પ્રથમ માળ સુધી આગ પ્રસરી હતી. જીવ બચાવવા કેટલાક લોકોએ ઈમારત પરથી છલાંગ લગાવી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ આ ઘટના બદલ શોક વ્યક્ત કરી તપાસના આદેશ આપ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ૩૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વિજયવાડાની હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકારે હોસ્પિટલ સામે ભારતીય બંંઘારણની કલમ ૩૦૪ ( ગુનાહિત મનુષ્યવધ) અને કલમ ૩૦૮ ( ગુનાહિત મનુષ્યવધનો પ્રયાસ) હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જ્યારે ગુજરાતમાં પોલીસે આવી જ ઘટનામાં શ્રેય હોસ્પિટલ વિરૂદ્ધ રાજકારણીમાંથી હોસ્પિટલના માલિક બનેલા ગુન્હેગારો સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી સંતોષ માન્યો હતો.

ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હોટલની બેજવાબદારી અને સુરક્ષા નિયમોના ઉલંઘનના કારણે આ આગ લાગી હતી.

કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કરાયેલી અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની શાહી હજુ સૂકાઈ નથી. ત્યાં આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઊભી કરાયેલી એક હોસ્પિટલમાં રવિવારે વહેલી પરોઢિયે ૫ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં ૧૧ લોકો ભડથું થઈ ગયા હતા અને ર૦ જણને ઈજા પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે દોડી જઈ આગને ઓલવી નાંખી હતી. વિજયવાડાની એક કોર્પોરેટ હોસ્પિટલે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે આ હોટલને હાલ પૂરતી હોસ્પિટલમાં તબદીલ કરી નાંખી હતી. વિજયવાડા શહેરની આ હોટલમાં લાગેલી આગે અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાની લોકોને યાદ કરાવી દીધી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત બનેલા લોકોના પરિવારજનો માટે આર્થિક વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. મૃતકોના પરિવારજનોને રૂા.૫૦ લાખનું આર્થિક વળતર આપવામાં આવશે. વિજયવાડાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં ૨૦ લોકોને ઈજા પહોંચી છે અને હાલ તેઓની હોસ્પિટલમં સારવાર ચાલી રહી છે, જેમાંથી ૨-૩ લોકોની હાલત અત્યંત ગંભીર છે. જે ઈમારતમાં આગ લાગી હતી તે વાસ્તવમાં એક હોટલની બિલ્ડિંગ છે પરંતુ કોરોનાના આ કપરા કાળમાં અહીં ધનાઢ્ય લોકોની સારવાર ચાલી રહી હતી. સત્તાવાળાઓએ શહેરની ઈમરજન્સીને જોતાં આ હોટલને હોસ્પિટલમાં તબદીલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ૬ ઓગસ્ટના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં પણ સમાન રીતે સવારના પરોઢના સમયે આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના આઠ દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં પાચ પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થતો હતો. શ્રેય હોસ્પિટલની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું લાઈસન્સ ચાર મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયું હતું અને હોસ્પિટલના સત્તાવાળાઓએ તેને રિન્યુ કરાવવાની પણ કાળજી લીધી નહોતી, તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શ્રેય હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું લાઈસન્સ છે કે, નહીં તે જોવાની કાળી લીધી નહોતી અને આંખો મીચીને તેને કોવિડ-૧૯ માટેની હોસ્પિટલ જાહેર કરી દીધી હતી.

 

 

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.